Mysamachar.in-ગાંધીનગર:
રાજ્ય સરકારે નાના શહેરો એટલે કે જ્યાં નગરપાલિકાઓ છે તેવા શહેરો માટે એક યોજના બનાવી છે, આ યોજના અંતર્ગત જેતે શહેરમાં શહેરના ગંદા પાણીને એકત્ર કરી, તેને પ્લાન્ટમાં શુદ્ધ કરવા તથા તે પાણીને ફરીથી વપરાશમાં લેવા આયોજન કરવામાં આવ્યું છે અને તે અંતર્ગત પ્લાન્ટ પણ બનાવવામાં આવ્યા છે, પછી શું થયું ? તેનો રિપોર્ટ બહાર આવ્યો છે. પાલિકાઓ ધરાવતાં શહેરોમાં ગંદા પાણીનું પ્રદૂષણ ઘટાડવા તથા દૂર કરવા પ્રથમ ભૂગર્ભ ગટર પાથરવામાં આવે છે, જેના મારફતે ગંદા પાણી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં લઈ જવા યોજના બનાવવામાં આવી છે. પરંતુ આ યોજનામાં એક અડચણ છે, જો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં યોગ્ય જથ્થામાં ગંદા પાણી પહોંચાડી શકાય તો જ તે પ્લાન્ટ કાર્યરત કરી શકાય.
નાના શહેરોમાં તકલીફ એ છે કે, આવા ઘણાં શહેરોમાં ભૂગર્ભ ગટરના કામો અધૂરાં છે અથવા યોગ્ય રીતે થયા નથી, જેથી આવા શહેરોમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત થઈ શક્યા નથી. એટલે કે, આ યોજના હાલ સફળ રહી નથી. સૌરાષ્ટ્રના 15 નાના શહેરોમાં આ પ્રકારના પ્લાન્ટ બંધ છે. આ શહેરોમાં ગંદા પાણી ભૂગર્ભ ગટર મારફતે એકત્ર કરવાને બદલે ખુલ્લાં મેદાનો કે નદીનાળામાં છોડી દેવાની પાલિકા સત્તાવાળાઓની કુટેવ આજે, પ્લાન્ટ બની ગયા બાદ પણ યથાવત્ છે. પરિણામે, આ યોજના હાલ ફ્લોપ અને આ શહેરોમાં ગંદા પાણીનું પ્રદૂષણ હજુ જોવા મળી રહ્યું છે.
જામનગર જિલ્લાની સિક્કા પાલિકામાં પ્લાન્ટ ફેલ અને દ્વારકા જિલ્લાની ભાણવડ પાલિકામાં આ કામગીરીઓ હજુ પૂરી જ ન થઈ હોવાનું જાણવા મળે છે. આ કામગીરીઓ પાણી પૂરવઠા બોર્ડે કરવાની હોય છે પરંતુ ભૂગર્ભ ગટર લાઈન સહિતની બાબતોમાં પાલિકાઓ અને બોર્ડ વચ્ચેના યોગ્ય સંકલનના અભાવે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં આ યોજનાના સારાં ફળો, સરકારી ખર્ચ છતાં, પ્રાપ્ત થયા નથી.
(અહી મુકવામાં આવેલ તસ્વીર પ્રતિકાત્મક છે)