Mysamachar.in-અમદાવાદ:
ટીકટોક એપ્લીકેશને તો ભારે કરી છે, અને ખાસ કરીને આજના યુવાઓને તો જાણે ટીકટોકનું રીતસરનું ઘેલું લાગ્યું છે, ત્યારે ટીકટોકના કેટલાક એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેના કારણે ભારે ચર્ચાઓ થાય છે. આવો જ એક ટિકટોક વીડિયો હાલ અમદાવાદના મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાંથી સામે આવ્યો છે. અહીં એક આરોપીએ પોલીસ લોકઅપમાં ‘નાયક નહીં ખલનાયક હું મેં’ સોન્ગ પર ટિકટોક વીડિયો બનાવ્યો હતો. આ ઘટનાને પગલે પોલીસ તંત્ર પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
મેઘાણીનગર પોલીસે એક આરોપીને 132 બોટલ ઈંગ્લીશ દારૂ સાથે પકડયા બાદ તેને પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાખ્યો હતો. આરોપીને તે દરમ્યાનમાં તેના ચાર મિત્રો મળવા આવ્યા ત્યારે જ આ વીડિયો બનાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જાણવા મળે છે તે પ્રમાણે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં આરોપી કરણએ લોકઅપમાં ટિકટોક વીડિયો બનાવ્યો હતો, જે સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. લોકઅપની અંદરથી આરોપી કરણે બહાર રહેલા ચાર શખ્સ સાથે ‘નાયક નહિ ખલનાયક હું મેં ગીત’ પર વીડિયો બનાવ્યો હતો.આરોપી જ તેના અન્ય ચાર મિત્રો સાથે લોકઅપની અંદરથી જ ટિકટોક વીડિયો બનાવી પોલીસ તંત્રની ધજ્જીઓ ઉડાવી દીધી હતી. હવે આ મામલે તપાસના આદેશો આપવામાં આવ્યા છે.