Mysamachar.in: જામનગર
જામનગરનો વાલ્કેશ્વરનગરી વિસ્તાર ઘણી રીતે વિશિષ્ટ છે અને અહીં ચિક્કાર રૂપિયાને કારણે ઘણું ચાલતું રહે છે પરંતુ કોઈ કારણસર તંત્રો આ વિસ્તાર પર ભાગ્યે જ ફોક્સ કરે છે. હાલમાં પણ આખા શહેરમાં ફાયર પ્રિવેન્શન સિસ્ટમ સહિતની બાબતો અંગે અફડાતફડીનો માહોલ છે આમ છતાં આ વાલ્કેશ્વરનગરી વિસ્તારમાં સૌ ધંધાર્થીઓ શાંતિનો અહેસાસ કરી રહ્યા છે, કેમ કે તંત્રોએ હજુ સુધી આ વિસ્તાર પર નજર કરી નથી, આ વિસ્તારમાં દુર્ઘટનાની સંભાવનાઓ હોવા છતાં અહીં કોઈ પણ પ્રકારનું ચેકિંગ થતું ન હોય એક તરફ તંત્રોની ચાલ પ્રત્યે લોકો આશંકિત છે અને બીજી તરફ સંભવિત દુર્ઘટનાના ભયે લોકો ફફડાટ અનુભવી રહ્યા છે. આ મુદ્દાઓ પર આ વિસ્તારના રહેવાસી અને ગ્રાહક સુરક્ષાના ભેખધારી કિશોર મજીઠીયાએ તંત્રોને એક જાહેર વિનંતી રહેવાસીઓ વતી કરી છે.
કિશોર મજીઠીયાએ જામનગરના તમામ ઉચ્ચ અધિકારીઓને સંબોધીને જણાવ્યું છે કે, આ વાલ્કેશ્વરનગરી વિસ્તારમાં સંખ્યાબંધ હોસ્પિટલ અને હોટેલો તથા રેસ્ટોરન્ટ ધમધમે છે. વૈભવી રહેણાંક વિસ્તારમાં આ પ્રકારના વ્યવસાય સ્થળો ખુદ એક અચરજ છે. બીજો મુદ્દો એ છે કે, આ તમામ વ્યવસાય સ્થળ પર સરકારના વિવિધ વિભાગના નિયમો અને જોગવાઈઓનું પાલન કરવામાં આવી રહ્યું છે કે કેમ ? તેની ચકાસણીઓ થવી જોઈએ. લોકો ફફડી રહ્યા હોય, લોકોની આ માંગણી છે.

કિશોર મજીઠીયાએ જણાવ્યું છે કે, આ વિસ્તારમાં સંખ્યાબંધ હોસ્પિટલ, દવાખાના અને હોટેલો ધમધમી રહ્યા હોય, અહીં ચકાસણીઓ જરૂરી બની ગઈ છે. દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ ? એવો પ્રશ્ન પૂછી તેમણે જણાવ્યું છે કે, અહીં ઘણી હોસ્પિટલ તથા હોટેલના દર્દીઓના પરિવારજનો અને ગ્રાહકો રસ્તાઓ પર પાર્કિંગ કરે છે. આ સેંકડો વાહનો માટે પાર્કિંગ વ્યવસ્થાઓ નથી ? આ વાહનો હજારો રહેવાસીઓ માટે નડતરરૂપ છે. ટ્રાફિકના પણ પ્રશ્નો થાય છે. આ ઉપરાંત ઘણાં વ્યવસાયના સ્થળોના પાર્કિંગમાં ગેરકાયદેસર બાંધકામ છે. કેટલાંક પાર્કિંગમાં ફાયરના બાટલા પડ્યા છે.
અહીં ફાયર પ્રિવેન્શન સિસ્ટમના નિયમો, બિલ્ડીંગ યૂઝ પરમિશનના નિયમો, વીજજોડાણના નિયમો, તમામ પ્રકારના બાંધકામ તથા વપરાશના નિયમો- આ પ્રકારના બધાં નિયમોનું પાલન થાય છે ? પાલન કોણ કરાવે છે ? ચેકિંગ કે ઈન્સ્પેક્શન કયારેય થતું નથી, શા માટે નથી થતું ? હાલ આખા શહેરમાં ચેકિંગ ચાલે છે ત્યારે પણ આ વિસ્તારમાં કોઈ જ અધિકારીઓ ફરકતા નથી, શા માટે ચેકિંગ શરૂ કરવામાં આવ્યું નથી ? બધું યોગ્ય છે કે કેમ, એ અંગે હજારો રહેવાસીઓને ખાતરીઓ કરાવવાની ફરજો શા માટે નિભાવવામાં આવતી નથી ?

કિશોર મજીઠીયાએ વધુમાં જણાવ્યું છે કે, રહેણાંક વિસ્તારમાં ધંધાર્થીઓ દ્વારા વધારાનું બાંધકામ, બાંધકામનો હેતુફેર, કોઈ આગ જેવો અકસ્માત સર્જાઈ ત્યારે આ વ્યવસાયના સ્થળોએ ઈમરજન્સી એક્ઝિટ જેવી વ્યવસ્થાઓ છે કે કેમ ? તે અંગેની ચકાસણીઓ અને તપાસણીઓ ક્યારે શરૂ થશે ? આ બધાં કારણોથી આ વાલ્કેશ્વરનગરીમાં રહેતાં હજારો રહેવાસીઓ ફફડાટ અનુભવી રહ્યા છે.