Mysamachar.in-જામનગર:
ડમી શાળાઓ અને ડમી કોચિંગ ક્લાસીસ- એક ધીકતો ધંધો છે અને ભરપૂર નાણાંકીય લાભોને કારણે ઘણીયે ‘કથિત’ શિક્ષણસંસ્થાઓ આ વહેતી ગંગામાં સ્નાન કરવાનું પૂણ્ય મેળવતી રહેતી હોય છે, બીજી તરફ આ બધી બાબતો પર નજર રાખવાની જેમની જવાબદારીઓ છે એ શિક્ષણ વિભાગ, જાણે કે ક્યાંય કશું ખોટું થઈ રહ્યું નથી, એવા હાવભાવ સાથે પોતાનો જિલ્લો આ બાબતે ‘પવિત્ર’ હોવાનો દાવો કરતો હોય છે.
ઘણીયે શિક્ષણ સંસ્થાઓ પોતાની પાસે પૂરતાં વિદ્યાર્થીઓ ન હોવા છતાં, પોતાની પાસે પૂરતાં વિદ્યાર્થીઓ છે- એવો દાવો કાગળ પર કરતી હોય છે અને આ કાગળોને આધાર બનાવી, સરકારમાંથી લાભો અને ગેરલાભો અંકે કરતી રહેતી હોય છે. અને, સંબંધિત શિક્ષણ વિભાગ ‘રામનામજાપ’ની મુદ્રામાં બેસી રહેતો હોય છે. તાજેતરમાં આ મામલો ચર્ચાસ્પદ બની જતાં, શિક્ષણવિભાગે ઉંડી તપાસ માટે આદેશ કર્યો છે. જો કે, તપાસ કેવી થશે એ પણ સૌ જાણે છે.
જામનગર જિલ્લાની વાત કરીએ તો, જિલ્લામાં સરકારી, ખાનગી અને ગ્રાન્ટેડ શાળાઓ મળી કુલ 320 શિક્ષણ સંસ્થાઓ DEO કચેરીમાં નોંધાયેલી છે. આ તમામ સંસ્થાઓમાં ‘ડમી’ સંબંધે આગામી સોમવારથી તપાસ શરૂ થઈ જશે, એમ DEO વિપુલ મહેતાએ Mysamachar.in સાથેની ટેલિફોનિક વાતચીતમાં આજે જણાવ્યું છે. આ માટે સંબંધિત બીટના મદદનીશ શિક્ષણ નિરીક્ષકોને જવાબદારીઓ સોંપવામાં આવી છે અને રાજ્યના શિક્ષણ વિભાગના આદેશને અનુસરવા કહેવામાં આવ્યું છે.
અત્યંત આધારભૂત સૂત્ર અનુસાર, આ તપાસ ખૂબ મોટાપાયે થઈ શકે છે. શિક્ષણ બોર્ડની મંજૂરી, ફાયર NOC, BU પરમિશન, મેદાન, માલિકીનો પુરાવો, વિદ્યાર્થીઓ અને શિક્ષકોની હાજરી, ભાડાકરાર, CCTV કેમેરા, ફાયર સાધનો અને આચાર્ય તથા શિક્ષકોની પૂરતી સંખ્યા છે કે કેમ વગેરે બાબતોની ચકાસણીઓ કરવામાં આવે તો, ઘણાં ભેદભરમ ઘણી જગ્યાઓ પર બહાર આવી શકે. પરંતુ આવી ચકાસણીઓ થશે કે, તપાસના નામે ગરબડ ગોટો પરમેશ્વર મોટો એ કહેવત મુજબ તપાસ થશે ? અને, સ્થાનિક કચેરીઓ રાજ્યના શિક્ષણ વિભાગને રિપોર્ટમાં ઉઠાં ભણાવી દેશે ?? એ આગામી સમયમાં રાજ્યભરમાં જાણવા મળી જશે.