Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમાં પોલીસ ચોપડે હત્યાનો વધુ એક બનાવ નોંધાયો છે. આ મર્ડર ગત્ રાત્રે થયું. જેમાં આરોપીઓ તરીકે હર્ષદ મીલ ચાલી વિસ્તારમાં રહેતાં બે શખ્સોના નામ સામે આવ્યા છે. આરોપીઓ પિતા-પુત્ર છે. મૃતકના પત્નીએ ફરિયાદ દાખલ કરાવી છે. નાણાંની ઉઘરાણીમાં આ બનાવ બન્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
જામનગરના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગત્ રાત્રે 3 વાગ્યે હત્યાના આ બનાવની ફરિયાદ દાખલ થઈ છે. પટેલનગર શેરી નંબર 3 માં સંસ્કાર સ્કૂલ સામે, હર્ષદ મીલ ચાલી પાછળ રહેતાં અક્ષાબેન શબ્બીર(સદામ) ઈકબાલભાઈ થૈયમ(27)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેણીના પતિ શબ્બીરભાઈએ રિક્ષાવાળા જયરાજસિંહ દરબારને અગાઉ હાથઉછીના નાણાં આપ્યા હતાં. આ નાણાં પરત લેવા શબ્બીરભાઈ ગત્ રાત્રે જડેશ્વર ચાર રસ્તા નજીક ગયા ત્યારે જયરાજસિંહના સંબંધી ધર્મેન્દ્રસિંહ પ્રફુલ્લસિંહ ચૌહાણ સાથે શબ્બીરભાઈને બોલાચાલી થઈ હતી. તે દરમિયાન ધર્મેન્દ્રસિંહના પુત્રએ એકદમ ઉશ્કેરાઈ જઈ શબ્બીરભાઈને ગળાના ભાગે તથા છાતીની ડાબી તરફ એમ બે ઘા છરી વડે મારતાં, આ ઈજાઓ જીવલેણ નીવડી. જેને કારણે ફરિયાદીના પતિ શબ્બીરભાઈનું મોત થયું.
પોલીસે જામનગરમાં હર્ષદ મીલની ચાલી શેરી નંબર-2 માં રહેતાં અને તેના પિતા ધર્મેન્દ્રસિંહ પ્રફુલ્લસિંહ ચૌહાણ વિરુદ્ધ હત્યાનો ગુનો, અક્ષાબેનની આ ફરિયાદના આધારે દાખલ કરી જરૂરી કાર્યવાહીઓ હાથ ધરી છે.ઘટનાની જાણ થતા મોડી રાત્રીના શહેર નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા, પોલીસ ઇન્સ્પેકટર એન.એ.ચાવડા સહીત ડી સ્ટાફ ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આરોપીઓને ઝડપી પાડવા જુદી જુદી દિશાઓમાં તપાસ શરુ કરી છે.