Mysamachar.in-જામનગર:
જામનગર શહેરના પટ્ટણીવાડ વિસ્તારમાં ગઈકાલે મંગળવારે રાત્રે એક જૂનું મકાન તૂટી પડયાની વિગતો બહાર આવી છે. જો કે મકાન ધસી પડવાની આ ઘટનામાં કોઇને ઈજાઓ પહોંચી નથી. આ મકાનમાં અડધો ડઝન જેટલાં ભાડૂઆતો રહે છે.
પટ્ટણીવાડ વિસ્તારમાં આરીફ પંજાનું બે માળનું મકાન તૂટી પડયાની વિગતો મંગળવારે રાત્રે સાડા આઠ નવ વાગ્યા આસપાસ જાણવા મળી હતી. આ બનાવની સૌ પ્રથમ જાણ આ વિસ્તારના કોર્પોરેટર અસલમ ખિલજીને થયા બાદ આ ઘટના અંગે ફાયરશાખાને જાણ કરવામાં આવી હતી. ફાયરશાખાની ટૂકડી સાથે એસ્ટેટ શાખાના કર્મચારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં. આ ઘટનામાં લાકડાના જૂના પીઢીયા અને છત તથા દીવાલો ધસી પડી હતી. આ મકાનમાં 6 ભાડૂઆત પરિવારો રહેતાં હોવાની જાણકારીઓ મળી છે. જો કે કોઈને ઈજાઓ થઈ નથી.
અત્રે ઉલ્લેખનિય છે કે, મહાનગરપાલિકાએ ચોમાસા અગાઉ જ આવા જોખમી બાંધકામો તોડી પાડવાના હોય છે અથવા આવા બાંધકામો તોડી પાડવા મિલકતધારકોને ફરજ પાડવાની હોય છે. ધારો કે મકાન ધસી પડવાની આ ઘટના દુર્ઘટના બની ગઈ હોત તો ?! એ પ્રશ્ન સૌને ધ્રૂજાવી મૂકે તેવો અને ચર્ચાઓમાં છે.