જામનગર મહાનગરનું સંસદમંદિર કે જ્યાં કરદાતા નગરજનોને નડતા અને કનડતા પ્રશ્નોની ચર્ચાઓ અને રજૂઆત કરવાની હોય, પ્રાથમિક સુવિધાઓ અને સેવાઓના કામોનું આયોજન કરવાનું હોય અને શહેરના ભાવિ વિકાસ અંગે મંથન કરવાનું હોય તેમજ મહાનગરપાલિકાની આવકો વધારી સંસ્થાની તિજોરીને મજબૂતી આપવા અંગે ઉપાયો શોધવાના હોય- એ જનરલ બોર્ડ એટલે કે સામાન્ય સભાના મહત્ત્વને ઘટાડીને લગભગ શૂન્ય કરી નાંખવામાં આવ્યું છે !
જનરલ બોર્ડને સક્ષમ રીતે સંચાલિત કરવાની જવાબદારીઓ શાસકપક્ષ વતી બોર્ડના અધ્યક્ષ મેયર એટલે કે શહેરના પ્રથમ નાગરિકની હોય છે. પરંતુ આ સામાન્ય સભા જે અગાઉ દર મહિને યોજાતી તે હવે 60 દિવસે એક વખત યોજવામાં આવે છે, જેનો અર્થ એ થયો કે, કરદાતા નગરજનો અને શહેર અંગેની વાત ‘જાહેર’માં કરવામાં શાસકોને રસ નથી.
આ ઉપરાંત દર બે મહિને યોજાતા આ બોર્ડમાં વિપક્ષને ચર્ચાઓ દરમ્યાન કોઈ રીતે ઉતારી પાડી..હો…હા…કરી, બોર્ડને વિખેરી નાંખવાની સ્થિતિઓ સર્જવી અને તેનો ગેરલાભ લઈ મેયર બોર્ડને પૂર્ણ થયેલું જાહેર કરે અને ભારત માતા કી જય બોલાવી સૌ છૂટાં પડી જાય- આ રણનીતિ જામનગર મહાનગરપાલિકાએ ઘણાં સમયથી અપનાવેલી હોય, લોકશાહીના આ મંદિરમાં કયાંય કરદાતા નગરજનોનો અવાજ સંભળાતો નથી.
ગઈકાલે બુધવારે યોજાયેલી સામાન્ય સભામાં પણ આ જ સ્થિતિઓ જોવા મળી. ઘણાં બધાં પ્રશ્નોની રજૂઆત થનાર હતી, ચર્ચાઓ કરી શકવાને અવકાશ હતો પરંતુ બોર્ડ વિખેરી નાંખવામાં આવ્યું.
હવે તો શાસકપક્ષને વિપક્ષ ઉપરાંત લોકતંત્રનો ચોથો સ્તંભ પત્રકારો પણ નથી ગમતાં. આ નવા સભાગૃહમાં જનરલ બોર્ડની કાર્યવાહીઓના કવરેજ માટે કેમેરામેન અને ફોટોગ્રાફરો માટે કોઈ વ્યવસ્થાઓ કરવામાં આવી ન હોય, બે મહિનાથી આ મામલો ટલ્લે ચડી ગયો છે. હવે મેયર કહે છે અમો આગામી બોર્ડથી મીડિયાકર્મીઓને જનરલ બોર્ડની કાર્યવાહીઓની તૈયાર ક્લીપ એટલે કે લિંક આપીશું ! શાસકપક્ષની મંશા મેયરના મુખમાંથી બહાર સરી પડી. આથી મીડિયાકર્મીઓમાં ભારે નારાજગીઓ જોવા મળી.
બુધવારની આ સામાન્ય સભામાં ટાઉનહોલ રિનોવેશન માટેનો તોતિંગ ખર્ચ, ફ્લાયઓવર સંબંધિત મુદ્દો, કચરાના કોન્ટ્રાક્ટ, ભૂગર્ભ ગટર, ટીપી સ્કીમ વગેરે બાબતોની ચર્ચાઓ થઈ શકી નહીં અને બોર્ડને પૂર્ણ થયેલું જાહેર કરી- શાસકપક્ષે વધુ એક વખત ધાર્યુ કરી લીધું. કરદાતા નગરજનો આ બધું જોઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે. મનમાં સમજી રહ્યા છે અને સમસમી પણ રહ્યા છે.