જામનગરની જિલ્લા પંચાયતમાં શાસકોનું કશું ઉપજતું ન હોય એવો તાલ છે ! અધિકારીઓ કોઈને ગાંઠતા નથી. શાસકપક્ષના સદસ્યો ઉપરાંત પદાધિકારીઓના ફોન પણ અધિકારીઓ રિસીવ કરતાં નથી, આ મતલબનો ઉકળાટ જિ.પં.ની જનરલ બોર્ડની બેઠકમાં ગઈકાલે મંગળવારે દેખાયો હોય, આગામી સમયમાં પદાધિકારીઓ અને અધિકારીઓ વચ્ચેની લડાઈ ઉગ્ર બનવા એંધાણ છે.
સમગ્ર રાજ્યમાં ચોમાસા અગાઉ સુજલામ સુફલામ યોજના અંતર્ગતના કામોની ચર્ચાઓ અને આયોજનો થતાં હોય છે. પરંતુ જામનગર જિ.પં.માં સુજલામ સુફલામ નામે મોટું મીંડુ હોય, જિલ્લાના હજારો ખેડૂતો આ અભિયાનના લાભોથી વંચિત રહ્યા અને આ કામ માટે સરકારે જિ.પં.ને જે કરોડો રૂપિયા આપેલાં, એ નાણાં પરત સરકારમાં જતાં રહ્યા છે કેમ કે જામનગર જિલ્લામાં આ કામો થયા નથી !
જિ.પં. નો સિંચાઈ વિભાગ ખૂબ જ ખરાબ રીતે હેન્ડલ થઈ રહ્યો હોવાની વિગતો બહાર આવી ગઈ છે. આ વિભાગ હસ્તકના કામો થતાં નથી. સરકારમાંથી આ વિભાગ માટે આવતાં નાણાંના લાભો ખેડૂતો સુધી પહોંચાડવામાં આ વિભાગ સફળ રહ્યો નથી. જિલ્લા વિકાસ અધિકારીએ આ વિભાગ પર ધ્યાન આપવું જોઇએ એવી પણ લાગણીઓ છે અને એવી સ્થિતિઓ પણ છે.
આ ઉપરાંત આ સામાન્ય સભામાં શાસકપક્ષના સભ્યો અને પદાધિકારીઓએ એવો ઉકળાટ વ્યક્ત કર્યો કે, અધિકારીઓ અમારાં ફોન રિસીવ કરતાં નથી. તેનો અર્થ એ પણ થઈ શકે કે, જિ.પં. માં શાસકપક્ષનું કશું ઉપજતું નથી, અધિકારીઓ પહેલવાન હોય તેવી હાલત છે. પદાધિકારીઓ અધિકારીઓ પાસે કામો કરાવી શકતાં નથી.
સામાન્ય સભાની આ બેઠકમાં ધારાસભ્ય હેમંત ખવાએ જણાવ્યું કે, તેમના મતવિસ્તાર સહિત જિલ્લામાં 55થી વધુ ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓના કામો 3-3 વર્ષ કરતાં વધુ સમયથી થતાં નથી. આ માટે 8-8 વખતથી માંડીને 13-13 વખત રિ-ટેન્ડર કરવા પડી રહ્યા છે ! આ ઉપરાંત રસ્તાઓના કામો માટે તાજેતરમાં મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્ર માટે ઓછાં નાણાંની ફાળવણી કરી છે એમ જણાવી ધારાસભ્યએ ઉમેર્યું હતું કે, આ સંબંધે વિધાનસભામાં રજૂઆત કરવામાં આવશે. આ સાથે જ જામનગર જિલ્લામાં બિસ્માર રસ્તાઓ સંબંધે પદયાત્રા યોજવામાં આવશે એમ પણ તેમણે કહ્યું.
આ સામાન્ય સભામાં સિંચાઈ વિભાગે જાહેર કર્યું કે, ભૂમિ અને રુદ્રાય નામની બાંધકામ કંપનીઓને બ્લેકલિસ્ટ કરવા માટેની દરખાસ્તો સરકારમાં મોકલી આપવામાં આવી છે. આ કંપનીઓ યોગ્ય રીતે કામો કરી શકી નથી. આ સામાન્ય સભામાં જિ.પં.નો ‘આરોગ્ય’ વિભાગ પણ ચમકયો હતો. આ વિભાગમાં ભરતીઓ સંબંધે વિપક્ષ આગામી સમયમાં નવાજૂની કરશે, એવી ગર્ભિત ચીમકી અપાઈ ગઈ છે.
ચૂંટાયેલા ન હોય, એમણે રાજીનામું આપવાનું હોય ??!…
જામનગર જિલ્લા પંચાયતની ગત્ રોજ યોજાયેલી સામાન્ય સભામાં એ મામલો પણ ઉઠ્યો હતો કે, જે લોકો ચૂંટાયેલા ન હોય, એ લોકો ખાસ કરીને, ‘પતિદેવો’ અહીં સામાન્ય સભામાં શા માટે ?! અને અચરજની વાત તો એ પણ રહી કે, આ ‘પતિદેવો’ સામાન્ય સભાની કાર્યવાહીમાં ભાગ પણ લઈ રહ્યા હતાં ! આ તકે જિલ્લા વિકાસ અધિકારી સભામાં ઉપસ્થિત હતાં. અને એથીયે વધુ અચરજની વાત એ પણ રહી કે, એક પતિદેવ વળી એમ બોલ્યા કે….તો હું રાજીનામું આપી દઉં !!!! અરે, ભલા માણહ તમે ચૂંટાયેલા છો જ નહીં, તો પછી રાજીનામું આપવાનો સવાલ જ ક્યાં ઉભો થાય છે ? સવાલ તો એ ઉભો થયો છે કે, તમે અહીં સામાન્ય સભામાં કઈ હેસિયતથી હાજર છો ?! આ બાબતે ધારાસભ્યએ પણ કોમેન્ટ કરી હતી.