Mysamachar.in-જામનગર:
રાજ્યના શહેરી વિસ્તારોમાં ઘર વિહોણા લોકોને પાકા મકાનો પુરા પાડવા સરકારે મુખ્યમંત્રી આવાસ યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના બનાવી મકાનો લોકોને બનાવી આપવાની યોજના અવિરત રાખી છે, જોકે આવા મકાનોમાં રહેવાને બદલે કેટલાક લોકોએ કમાણીનું સાધન બનાવી લીધુ છે અને સોપવામાં આવેલા પૈકી 20 ટકા મકાનોમાં માલિકને બદલે ભાડુઆત મળી આવે છે.
જામનગરમાં સત્યમ કોલોની વિસ્તારમાં બનાવાયેલા મુખ્યમંત્રી ગૃહ આવાસ યોજનાના ફ્લેટનું ના લોકાર્પણ કરવામાં આવ્યા બાદ નિયત થયેલા લાભાર્થીઓને ક્રમશ: ફ્લેટની ફાળવણી કરવામાં આવી હતી, હજુ તો આ યોજનાના પુરેપુરા લાભાર્થી ફલેટ ફાળવાયા ત્યાં તો આ કોલોનીમાં મકાનો ભાડે આપવાનું શરૂ થઇ ગયું હતુ તે જગજાહેર છે
શહેરી વિસ્તારમાં ઘર વિહોણા જરૂરિયાતવાળા લોકોને જ પાકા મકાનો મળી રહે તે માટે આવા મકાનોની સોપણી સાથે સાત વર્ષ સુધી મકાન વેચવા કે ભાડે આપવા ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, તેમ છતાં લેભાગુ તત્વોએ યેન-કેન પ્રકારે મકાન મેળવી માસિક રૂ.૭૦૦૦ સુધી ભાડે ચઢાવી દીધા ના અનેક દાખલા છે
આવી અનેક ફરિયાદોના પગલે કોર્પોરેશન ને એક વખત શુરાતન ચઢ્યુ અને પોણાબસ્સો આવા આવાસ શોધી કાઢ્યા અને રદ કર્યા પરંતુ ભાડે આપવાની કે જેમના નામે ડ્રોમા મકાન લાગ્યુ હોય તે ન રહેતા હોય તે પ્રેક્ટીસ ચાલુ જ છે તેમ જુદા આવાસ યોજનાના સર્વે કરતા જાણવા મળ્યુ છે.
જામનગર મહાપાલીકા અને જાડા એ બંને પ્રકારના મળી ૬૮૦૦ આવાસ બનાવ્યા છે હજુ બીજી યોજના અમલમાં છે પરંતુ ઘરવિહોણા ને ઘરના ઘરનુ સ્વપ્ન સાકાર કરવાનો હેતુ પેટા ભાડુઆત વાળી ધમધમતી પ્રેક્ટીસના કારણે સિદ્ધ થતો નથી તે બાબતે નિયમીત ચેકીંગ ની કોઇ વ્યવસ્થા જ નથી
જો કોઈ નામજોગ ફરિયાદ કરે તો કરી છીએ કાર્યવાહી.:અશોક જોશી..
આવાસમાં ભાડુઆતો ને નિયમવિરુદ્ધ મકાનો આપી દેવાની બાબતે જયારે મનપાના હાઉસીંગ સેલના અધિકારી અશોક જોશીની પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે તેવો એ કહ્યું કે આચારસંહિતા સહિતની બાબતોને લઈને લાંબા સમયથી કાર્યવાહી થઇ નથી,અને અમે જનરલ સર્વે કરતાં પણ નથી,જયારે કોઈ નામજોગ ફરિયાદ આવે તો જ કાર્યવાહી કરવામાં આવતી હોવાનું તેવો એ ઉમેર્યું હતું.