Mysamachar.in-જામનગર:
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં RTO તંત્રની લાલિયાવાડીઓ અને ખામીઓ જાણીતી બાબતો છે. આગામી સમયમાં આ ખામીઓ દૂર કરવા સરકાર કેટલાંક નવા આયોજન જાહેર કરી ચૂકી છે. ખાસ કરીને ડ્રાઇવિંગ લાયસન્સ ટેસ્ટ માટેનો મુદ્દો ચર્ચાઓમાં છે. અત્યંત આધારભૂત સૂત્ર જણાવે છે કે, રાજ્યના 13 જિલ્લાઓમાં આગામી માર્ચના અંત સુધીમાં પાકા લાયસન્સ માટેના ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બનાવવામાં આવશે. હાલ સેન્સર પોલ અને કેમેરા સહિતની ટેકનોલોજિથી સજ્જ ટેસ્ટ ટ્રેક ન હોવાથી, આ કામમાં ઘણાં પ્રકારની લાલિયાવાડીઓ ચાલી રહી છે.
હાલમાં ડ્રાઇવિંગ લાયસન્સ ટેસ્ટ આપવાથી ડરતાં લોકો રેન્ટ આધારિત કરારથી વાહનનું લાયસન્સ કઢાવે છે. જેમાં ઘણાં કિસ્સાઓમાં ગેરરીતિઓની ફરિયાદો મળી રહી છે. આવી ફરિયાદો છેક ઉચ્ચકક્ષાએ પણ પહોંચે છે. થોડાં સમય અગાઉ ખુદ વાહનવ્યવહાર કમિશનરે તેની તપાસ કરાવવી પડી હતી.
રાજ્યના વાહનવ્યવહાર વિભાગ દ્વારા તમામ 38 RTO કચેરીઓમાં વીડિયો એનાલિટીક ઓટોમેટેડ ડ્રાઇવિંગ લાયસન્સ ટેસ્ટ ટ્રેક સિસ્ટમનો અમલ કરાવવામાં આવશે. હાલ 25 કચેરીઓમાં ટેકનોલોજિથી સજ્જ ડ્રાઇવિંગ લાયસન્સ ટેસ્ટ ટ્રેક છે. અને, 13 કચેરીઓમાં સેન્સર તથા કેમેરા વગર ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવે છે. આ તમામ RTO માં રૂ. 60 કરોડથી વધુના ખર્ચે નવી અને આધુનિક સિસ્ટમ વિકસાવવામાં આવશે.
એક ખાનગી કંપનીને આ માટેનો કોન્ટ્રાક્ટ અપાયો હોવાનું સૂત્ર જણાવે છે. આ કંપની એક સોફ્ટવેર બનાવશે. જેનું કામ શરૂ થઈ ગયું છે. જેના આધારે AI બેઝ કેમેરાથી ડ્રાઇવિંગ લાયસન્સ ટેસ્ટ લેવામાં આવશે. આ સિસ્ટમ આવતાં ટેસ્ટ ટ્રેકમાંથી હાલના સેન્સર પોલ દૂર કરવામાં આવશે. નવા AI કેમેરાથી સજ્જ પોલ લગાવવામાં આવશે. ટ્રેકમાં કેમેરાની સંખ્યા વધારી દેવામાં આવશે.
આ ટેસ્ટ ટ્રેકની ઓફિસમાં કોમ્પ્યુટર સિસ્ટમથી માંડીને મોનિટરીંગ સિસ્ટમ સુધીના બધાં જ સાધનો નવા લગાવવામાં આવશે. પોલમાં લગાડેલા કેમેરા ટેસ્ટ આપનારની નાની નાની ભૂલો પણ પકડી લેશે. નિરીક્ષક આ ભૂલ કોમ્પ્યુટરમાં સ્પષ્ટ રીતે જોઈ શકશે. દાવો એવો થઈ રહ્યો છે કે, આથી ગેરરીતિઓ અટકશે. આ ટેસ્ટ ટ્રેકનો તમામ રેકોર્ડ કચેરીમાં રહેશે.
રાજ્યના જામનગર, દેવભૂમિ દ્વારકા, અંજાર, સુરેન્દ્રનગર અને મોડાસા સહિતની 13 આરટીઓ કચેરીઓમાં આ સિસ્ટમ લગાવવામાં આવશે. આ સિસ્ટમ અમલમાં આવતાં ઓફલાઈન લાયસન્સ આપવાનું બંધ થશે. અને બધાં જ માટે ડ્રાઇવિંગ લાયસન્સ ટેસ્ટ ફરજિયાત બની જશે. આ પ્રત્યેક ટેસ્ટ પર અધિકારીઓ ઓફિસમાં બેઠાં નજર રાખી શકશે. રાજ્યના વાહનવ્યવહાર કમિશનર પણ રાજ્યમાં કયાંય પણ લેવાઈ રહેલાં આ ડ્રાઇવિંગ લાયસન્સ ટેસ્ટને પોતાની કચેરીમાં બેઠાં જોઈ શકશે.(file image source:google)