Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકા દર વર્ષે શહેરની હદમાં આવેલી જર્જરીત ઈમારતો અને મકાનોને નોટિસ આપે છે અને કબજેદારો તથા માલિકોને કહે છે કે, તમારૂં જર્જરીત બાંધકામ રીપેર કરાવી સલામત સ્ટેજ પર લઈ જાઓ. દર વર્ષે ચોમાસામાં સંભવિત અકસ્માતો અને દુર્ઘટનાઓ ટાળવા મહાનગરપાલિકા દ્વારા આ રૂટિન કસરત ચોમાસા અગાઉના સમયમાં થાય છે. પરંતુ આ કવાયતો છતાં દર ચોમાસે શહેરમાં ન બનવાનું બનતું હોય એવા અનેક ઉદાહરણ સમાચાર બનતા રહે છે.

મહાનગરપાલિકાનો ટાઉન પ્લાનિંગ વિભાગ જણાવે છે કે, ચોમાસા અગાઉ શહેરની જર્જરીત ઈમારતોની તપાસ કરવા માટે વોર્ડ ઈન્સ્પેક્ટર સહિતના કર્મચારીઓની કુલ 6 ટીમ બનાવવામાં આવી છે, જે શહેરના તમામ 16 વોર્ડમાં આ કામગીરીઓ માટે સર્વે કરી રહી છે. અત્યાર સુધીમાં આવી કુલ જર્જરીત 208 ઈમારતોનો સર્વે કરવામાં આવ્યો.
આ સર્વે દરમ્યાન જાણવા મળેલ છે કે, 61 ઈમારતોનું રીપેરીંગ થયું છે. સર્વે પૈકીની બાકીની 147 જર્જરીત હાલત ધરાવતા બાંધકામોને નોટિસ આપવામાં આવી છે. અને, ચોમાસા પહેલાં યોગ્ય સમારકામની સૂચનાઓ પણ આપવામાં આવી છે. આ દરમ્યાન નાની ક્ષતિઓ ધરાવતાં કેટલાંક છૂટાછવાયા બાંધકામોના અમુક ભાગ તોડી પણ પાડવામાં આવ્યા છે.

અહીં મહત્ત્વની બાબત એ છે કે, જે જર્જરીત બાંધકામોને નોટિસ આપવામાં આવી છે તે બાંધકામો ચોમાસા પહેલાં રીપેર થઈ જશે ? અને, આ બાંધકામો સલામત સ્ટેજ સુધી લઈ જવામાં આવ્યા છે કે કેમ, તે ચિંતાઓ વિભાગ કરશે ? કે પછી, આ બાંધકામો પૈકી એકાદ-બે કે બે-ચાર જર્જરીત બાંધકામો, દર વખતની જેમ આ વર્ષે પણ ચોમાસામાં ધબાય નમ: થશે ?! આ પ્રશ્નોના જવાબ આગામી સમયમાં મળી જશે.
