Mysamachar.in-
સમગ્ર રાજ્યમાં શંકાસ્પદ સરકારી અનાજ એટલે કે જે રાશનીંગની દુકાનોમાં હોય તેવા અનાજનો જથ્થો કાળાબજારમાં ધકેલી લાખો રૂપિયાની કમાણી કરવાના ખેલ ચાલતાં રહેતાં હોય છે. જામનગરમાં પણ આવું એક કુંડાળુ ઝડપાઈ ગયાનું બિનસતાવાર રીતે બહાર આવી ગયું છે જે અંગે જો કે તંત્ર દ્વારા કોઈ જ સત્તાવાર વિગતો આ મામલાના ત્રીજા દિવસે પણ જાહેર કરવામાં આવી નથી.
Mysamachar.inને મળેલી અત્યંત આધારભૂત વિગતો એવી છે કે, ગત્ સોમવારે રાત્રિના સમયે જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં આવેલા પુલના નીચેના ભાગમાં ગોકુલ હોન્ડા શોરૂમ પાછળ ખોડિયાર મંદિર નજીકથી સરકારી અનાજનો જથ્થો ઝડપી લેવામાં આવ્યા બાદ આજે બુધવારની બપોર સુધી આ કાર્યવાહીઓ અંગેની વિગતો સત્તાવાર રીતે જાહેર થઈ નથી.
સૂત્રના કહેવા અનુસાર, શંકાસ્પદ સરકારી અનાજનો આશરે 40 ટન જેટલો જથ્થો કબજે લેવાયો છે. જેમાં ઘઉં અને ચોખા મોટા પ્રમાણમાં છે જ્યારે બાજરો અને ચણાનો જથ્થો ઓછાં પ્રમાણમાં છે. એમ કહેવાય છે કે, આ અનાજના જથ્થાની કિંમત આશરે રૂ. 16 લાખ ઉપરાંતની થવા જાય છે. સૂત્ર ત્યાં સુધી કહે છે કે, તંત્ર દ્વારા આ તમામ જથ્થો કબજે લઈ સરકારી ગોદામમાં સીઝ કરેલા જથ્થા તરીકે અલગથી રાખી દેવામાં આવ્યો છે.

જો કે અનાજનો આ જથ્થો સરકારી અનાજ છે કે કેમ તેની ખરાઈ હવે થશે પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ એમ દેખાઈ રહ્યું છે કે, આ અનાજ FPS દુકાનોને આપવામાં આવતાં અનાજનો જથ્થો હોય શકે છે. અત્રે ઉલ્લેખનિય છે કે, સરકારી અનાજ ખાનગી અને મોટા ખરીદદારો સુધી પહોંચતું હોય જ છે, સૌ જાણે છે કે, સસ્તા અનાજના કેટલાંક દુકાનદાર ઉપરાંત હજારો રાશનકાર્ડધારકો પણ દર મહિને આ અનાજનો જથ્થો ખાનગી ખરીદદારોને વેચતા હોવાની ફરિયાદો અવારનવાર ઉઠતી રહે છે, જેની તપાસ ભાગ્યે જ થતી હોય છે.
Mysamachar.in દ્વારા અનાજના આ શંકાસ્પદ જથ્થા અંગે તથા તંત્ર દ્વારા શું કાર્યવાહીઓ થઈ છે તે જાણવા જિલ્લા પૂરવઠા કચેરી તથા મામલતદાર કચેરી વગેરે જગ્યાઓ પર પૂછપરછ કરવામાં આવેલી પરંતુ આજે બુધવારની બપોર સુધી તંત્ર દ્વારા આ અંગે કોઈ સત્તાવાર વિગતોની જાહેરાત કરવામાં આવી નથી, તંત્ર આ વિગતો જાહેર કરવા ‘પ્રેસનોટ’ બનાવી રહ્યું હોવાનું જાણવા મળે છે પણ અચરજની વાત એ છે કે, જો વિભાગે કાર્યવાહીઓ કરી હોય તો, વિગતો જાહેર કરવા આટલા દિવસનો સમય શા માટે લેવામાં આવી રહ્યો છે. દરમિયાન સૂત્રમાંથી એમ પણ જાણવા મળેલ છે કે, જે લોકોના કબજામાંથી આ જથ્થો મળી આવ્યો છે તેમની પાસે આ જથ્થા અંગે કોઈ બિલો કે આધારો હતાં નહીં, આથી તંત્ર દ્વારા જથ્થો કબજે લેવામાં આવ્યાનું જાણવા મળે છે.