Mysamachar.in-અમદાવાદ:
પ્રથમ નજરે જૂઓ તો, એમ લાગે કે દરેક માણસ ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે, કમ-સે-કમ ગુજરાતમાં આ માન્યતા સાચી નથી. TRAI નો રિપોર્ટ કહે છે: ઈન્ટરનેટનો ઉપયોગ કરવામાં દેશમાં ગુજરાતનો ક્રમ સાતમો છે. ગુજરાતમાં દર 100 વ્યક્તિઓમાંથી 25 વ્યક્તિઓ ઈન્ટરનેટનો ઉપયોગ કરતી નથી.
રિપોર્ટ કહે છે: ગુજરાતમાં 5.47 કરોડ ઈન્ટરનેટ યુઝર્સ છે. જો કે રાજ્યમાં 1 વર્ષમાં 1.70 લાખ શહેરી ઈન્ટરનેટ ગ્રાહકો ઘટી ગયા છે. રિપોર્ટમાં જણાવાયું છે, ગ્રામ્ય વિસ્તારોમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરનારનું પ્રમાણ 51 ટકા અને શહેરોમાં આ પ્રમાણ 99 ટકાથી વધુ છે. આખા દેશની સરેરાશ એવી છે કે, 100માંથી 31 લોકો ઈન્ટરનેટનો વપરાશ કરતાં નથી.
TRAI દ્વારા સપ્ટેમ્બર-2024 સુધીનો અભ્યાસ કરી, આ આંકડા તૈયાર કરવામાં આવ્યા છે. જે દર્શાવે છે કે, ઈન્ટરનેટનો સૌથી ઉપયોગ 98 ટકા કેરળ રાજ્યમાં થાય છે. કેરળમાં ગ્રામ્ય વિસ્તારોમાં આ પ્રમાણ 227 ટકા છે. શહેરી વિસ્તારમાં 63.71 ટકા છે. ઈન્ટરનેટનો ઉપયોગ કરવામાં કેરળ, તેલંગાણા, પંજાબ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને તામિલનાડુ- ગુજરાત કરતાં આગળ છે. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં સપ્ટેમ્બર-2024 સુધીમાં, એક વર્ષ દરમિયાન ઈન્ટરનેટ ધારકોની સંખ્યા 6 ટકા (11 લાખ) વધી. શહેરી વિસ્તારમાં 1.70 લાખ ઈન્ટરનેટ યુઝર્સ ઘટી ગયા.