Mysamachar.in-ગુજરાત:
આ વખતે રાજ્યમાં ચોમાસાની મોસમ ખેડૂતો માટે થોડી ચિંતાવાળી જરૂર રહી છે કારણ કે વરસાદ આવે ન આવે આગાહીઓ ખોટી પડે સહિતની બાબતો વચ્ચે છેલ્લા ત્રણેક દિવસ થી રાજ્યમાં ઘણા વિસ્તારોમાં વરસાદ સારો થયો છે, અને વાવણી પર કાચા સોના સમાન વરસાદ પણ થયો છે, રાજ્યમાં ચોમાસાની શરૂઆતથી જ ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી હતી. ત્યારે હવે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. રાજ્યમાં જુલાઈના અંત સુધીમાં 60 લાખ હેક્ટર જમીનમાં વાવેતર થયું છે. જેમાં 50 ટકા વિસ્તારમાં માત્ર કપાસ અને મગફળીનું વાવેતર થયું છે.
કપાસ અને મગફળીના પાકોમાં વાવેતરનો કુલ વિસ્તાર 43 લાખ હેકટર જોવા મળે છે. કૃષિ અધિકારીના મતે ગુજરાતમાં મગફળીના કુલ વાવેતર પૈકી 110 ટકામાં વાવેતર થયું છે. જેમાં હવે વધારો થવાની સંભાવના ઓછી છે. પરંતુ કપાસનું વાવેતર અત્યાર સુધીમાં 85 ટકા થયું છે જેમાં હજી વધારો થવાની શકયતા છે. રાજ્યમાં ખરીફ સિઝનમાં કુલ વાવેતર વિસ્તાર 85.54 લાખ હેકટરનો જોવા મળે છે.એવામાં ચોમાસાની સિઝન છે અને ઘણા વિસ્તારોમાં હજી વરસાદની ઘટ જોવા મળી છે. ત્યારે પાણીની મુશ્કેલી હોવા છતાં ખેડૂતોએ તેમનો વાવણીનો સમય સાચવી લીધો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં 40 ટકા વિસ્તારમાં હજી વાવણી લાયક વરસાદ થયો નથી આમ જે વિસ્તારોમાં વરસાદ નથી થયો ત્યાં ખેડૂતો વાવણીલાયક વરસાદની રાહ જોઇને બેઠા છે.