Mysamachar.in-અમદાવાદ:
આપણાં રાજ્યમાં અકસ્માત અતિ સંવેદનશીલ અને ગંભીર વિષય છે, એક પણ તંત્ર અથવા નેતાઓ કે સરકાર- આ બાબતે ગંભીર નથી. દર વર્ષે હજારો અકસ્માત થાય છે અને હજારો લોકો મોતનો શિકાર બની રહ્યા છે, હજારો લોકો અકસ્માતને કારણે કાયમી રીતે લૂલાલંગડા બની જતાં હોય છે, સ્થિતિ અત્યંત ગંભીર છે. અને, રાજ્યમાં દારૂબંધી હોવા છતાં ઘણાં વાહનચાલકો દારૂ અથવા ડ્રગ્સના નશામાં વાહનો ચલાવતા હોય છે. એમાં પણ ઘણાં લોકોના મોત થઈ રહ્યા છે.
ગુજરાતમાં નાના રસ્તાઓ, રાજ્ય અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર, બાઈક- ફોર વ્હીલર અને ભારે તથા લોડેડ વાહનો બેફામ ગતિએ દોડે છે. મોટાભાગના વાહનચાલકો ટ્રાફિક સેન્સ અથવા એજયુકેશનની દ્રષ્ટિએ અભણ એટલે કે અંગૂઠાછાપ હોય છે. હાઈવે પોલીસ, આરટીઓ અને ટ્રાફિક પોલીસ ‘અન્ય’ કામોમાં વ્યસ્ત હોય છે અને માર્ગો પર અકસ્માત થતાં રહે છે. અકસ્માત પછી પણ, કસૂરવારને સજા સુધી પહોંચાડવાને બદલે તંત્ર તોડપાણીમાં વ્યસ્ત રહેતાં હોય છે. ટૂંકમાં, સર્વત્ર જંગલરાજ.
રાજ્ય સત્તાવાળાઓએ અકસ્માતોનો વાર્ષિક રિપોર્ટ જાહેર કર્યો છે, જેના આંકડા ખૂબ જ ચિંતાજનક છે. પણ ચિંતાઓ કરશે કોણ ? એ પ્રશ્ન ગંભીર છે. સરકાર આંકડા જાહેર કર્યા બાદ બધું ભૂલી જાય છે- નેતાઓ અધિકારીઓને આ કરૂણ બાબતે પણ ખખડાવી શકતા નથી. અને, રોડ સેફટી એટલે કે માર્ગ સલામતી, માત્ર પોસ્ટર-રેલી-બેનર-સ્લોગન-શૈક્ષણિક સંસ્થાઓ અને ફોટાઓ પડાવવાનો વિષય બની ગયો હોય એવી કરૂણ સ્થિતિઓ છે.
-સરકારના આંકડા
વર્ષ 2022માં દારૂ પી વાહન ચલાવવાના કુલ 51 અકસ્માત થયેલાં, જેમાં 7 લોકોના મોત થયા. 2023માં અકસ્માતનો આ આંકડો 92 થયો. અને તેમાં મોતનો આંક 39 થઈ ગયો. દારૂ ઢીંચી વાહન ચલાવી અકસ્માત કરવાના કેસમાં આમ એક જ વર્ષમાં, 90 ટકાનો વધારો થયો અને આ અકસ્માતમાં મોતનો આંક એક જ વર્ષમાં 457 ટકા વધી ગયો. જે દર્શાવે છે કે, દારૂબંધી શહેરોની માફક હાઈવે પર પણ, કાગળ પર !!
વર્ષ 2023માં રાજ્યમાં જુદાજુદા પ્રકારના કુલ 16,349 અકસ્માત રેકર્ડ પર ચડ્યા. જેમાં 7,854 લોકોએ જીવ ગુમાવ્યા. જે પૈકી 7,278 મોત તો વાહનોની બેફામ ગતિને કારણે થયેલાં અકસ્માતમાં નીપજયા. ટૂંકમાં, ઝડપની મજા, મોતની સજા- આ સૂત્ર રાજ્યમાં સાચું સાબિત થઈ રહ્યું છે. વર્ષ 2022માં અકસ્માતની કુલ ઘટનાઓ 15,751 નોંધાઈ. જેમાં 7,618 લોકોનો ભોગ લેવાઈ ગયો.
-રાજ્યમાં રોજ સરેરાશ 45 જેટલાં અકસ્માત
રાજ્યમાં રોજ સરેરાશ 45 જેટલાં અકસ્માત થાય છે અને દર 24 કલાકમાં 22 જેટલાં લોકો મોતનો કોળિયો બની જાય છે. કોરોના અને કેન્સર જેવી બાબતો કરતાં અકસ્માત વધુ જિંદગીઓ ઝૂંટવી લ્યે છે, હજારો લોકો અપંગ બની જાય છે, હજારો પરિવાર બરબાદ થઈ જાય છે- છતાં કયાંય, કોઈ ગંભીર નહીં. ઘણાં કિસ્સાઓમાં રસ્તાઓની ડિઝાઇનની ખામીઓ પણ જવાબદાર હોય છે. તંત્રો અકસ્માત માટેના બ્લેક સ્પોટ નક્કી કરી, પછી આ વિષયને ભૂલી જતાં હોય છે. તંત્રો અમે જુદાં જુદાં પ્રકારના કેટલાં કેસ કર્યા, તેના આંકડાઓ જાહેર કરી, પછી આ બાબતે પલાંઠી વાળી, નિષ્ક્રિય બની બેસી જતાં હોય છે. જેને કારણે અકસ્માત નિવારણની દિશામાં ખાસ કોઈ કામગીરીઓ જોવા મળતી નથી. અકસ્માત બાબતે સૌએ તાકીદે ગંભીર બનવું પડશે.