Mysamachar.in:જામનગર
જામનગર સહિત સમગ્ર રાજયમાં GST કરદાતાઓ પરેશાન છે. અન્ય કેટલાંક સરકારી વિભાગોની માફક આ તંત્રમાં પણ પ્રમાણિક કરદાતાઓએ તકલીફો સહન કરવી પડતી હોવાનું અને કુંડાળાઓ ચીતરતા તત્વોને વિવિધ પ્રકારની મોજ માણવા મળતી હોવાનું સૂત્ર જણાવી રહ્યા છે. જામનગર GST તંત્ર સાથે સંકળાયેલાં આધારભૂત સૂત્રના જણાવ્યા અનુસાર, નાણાંકીય વર્ષ 2019-20 દરમિયાનના એસેસમેન્ટ સંબંધે નિયમ મુજબ, સામાન્ય રીતે જવાબ દાખલ કરવા કરદાતાઓને નોટિસ આપ્યાના વર્ષમાં 30/04 સુધીનો સમય આપવામાં આવતો હોય છે.પરંતુ જામનગર GST તંત્ર આ પ્રકારના કરદાતાઓને જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં આ અંગેની નોટિસો ફટકારી ફટાફટ એસેસમેન્ટ પૂર્ણ કરવા બાબતે ફોર્સ કરતું હોય છે.

આ વર્ષે પણ આમ બન્યું હતું. તંત્ર ખુદ એસેસમેન્ટ કરવા માટે ચાર-ચાર પાંચ-પાંચ વર્ષનો સમય લેતું હોય છે અને બીજી તરફ કરદાતાઓને તાકીદે અને નિયત સમયમર્યાદા પહેલાં જવાબ દાખલ કરવા દબાણ કરે છે, જેને પરિણામે બિઝનેસમાં વ્યસ્ત કરદાતાઓએ માનસિક ત્રાસ સહન કરવો પડતો હોય છે. જામનગર GST તંત્રની આ નીતિરીતિ સામે કરદાતાઓમાં વ્યાપક રોષ હોવાનું બહાર આવ્યું છે.
જામનગર GST તંત્ર સંબંધે એમ પણ જાણવા મળેલ છે કે, ફેક બિલિંગ કરતાં તત્વોને તંત્ર દ્વારા ચોક્કસ પ્રકારની સુવિધાઓ પણ કરી આપવામાં આવે છે. સામાન્ય રીતે આ પ્રકારના કિસ્સાઓમાં સંબંધિત કરદાતાએ કૌભાંડની અનુમાનિત રકમની 100 ટકા રકમ તંત્રમાં જમા કરાવવાની હોય છે પરંતુ ચોક્કસ પદ્ધતિઓ દ્વારા આ પ્રકારના તત્વોને 100 ટકાને બદલે માત્ર 10 ટકા પેનલ્ટી જમા કરાવવાની સુવિધાઓ કરી આપવામાં આવે છે. તેવી ચર્ચાઓ સાંભળવા મળે છે, જામનગરમાં આ પ્રકારના 1,600 જેટલાં કેસોમાં નોટિસ આપ્યા બાદ માત્ર પચ્ચીસ ટકા કેસોમાં પ્રોસિકયુશન આગળ વધારવામાં આવતું હોય છે અને તેમાંથી પણ દસેક ટકા કરદાતાઓને તો રાહત પણ કરી આપવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

ફેક બિલિંગના ઘણાં કેસોમાં તો, વડી અદાલતની સૂચના હોવા છતાં, આવા કરદાતાઓના બેંક એકાઉન્ટ એટેચ પણ કરવામાં આવતાં નથી. જેનો આરોપીઓને ગેરલાભ મળી જતો હોય છે. આ પ્રકારના કિસ્સાઓમાં દાખવવામાં આવતી ‘રહેમ’ શંકાઓથી પર કેવી રીતે રહી શકે ?! આ ઉપરાંત નવો રજિસ્ટ્રેશન નંબર મેળવવાની પ્રક્રિયાઓમાં સામાન્ય રીતે સાત દિવસની અંદર ડિફોલ્ટ નંબર જનરેટ થઈ જતો હોવા છતાં ધંધાર્થીઓને એક એક મહિના સુધી નંબર ન ફાળવીને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હોય તેવા કિસ્સાઓ પણ બહાર આવી રહ્યા છે.

ઘણાં કિસ્સાઓમાં એમ પણ જાણવા મળેલ છે કે, કોઈ કરદાતા દ્વારા રજિસ્ટ્રેશન નંબર રદ્દ કરાવવામાં આવ્યો હોય, એપ્રિલથી જૂન દરમિયાન આ નંબર રદ્દ પણ થઈ ગયો હોય છતાં સપ્ટેમ્બરના અંત પહેલાં કરદાતાઓને તેની જાણ કરવાને બદલે તે પછીના વર્ષમાં છેક જાન્યુઆરીથી એપ્રિલ દરમિયાન આ જાણકારીઓ વિલંબથી આપવામાં આવતી હોય છે, જે કારણથી પણ કરદાતાઓએ માનસિક તણાવ સહન કરવો પડતો હોય છે. આમ સાચાંને હેરાનગતિઓ અને ખોટાંને મોજ, સરકારના આ વિભાગમાં પણ નોંધપાત્ર પ્રમાણમાં જોવા મળતું હોવાનું અત્યંત આધારભૂત સૂત્ર જણાવી રહ્યા છે.