Mysamachar.in-અમદાવાદ:
રાજ્યભરમાં લો-કોલેજોમાં ઘણાં પ્રકારની અનિયમિતતાઓ, ગેરરીતિઓ અને લાલિયાવાડીઓ ચાલતી રહેતી હોય છે, જે પૈકી કેટલીક બાબતો ચકચાર પણ મચાવતી હોય છે. આ ઉપરાંત પ્રવેશનો મામલો પણ આ વર્ષે વિવાદ સર્જી ગયો. દરમિયાન, બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
એવી જાહેરાત થઈ છે કે, લો નો અભ્યાસ કરાવતી કોલેજો તથા યુનિવર્સિટીઓએ ફરજિયાતપણે સમગ્ર શૈક્ષણિક સંકુલમાં CCTV કેમેરા લગાવવાના રહેશે. તમામ વિદ્યાર્થીઓની હાજરી બાયોમેટ્રિક પદ્ધતિ દ્વારા નોંધવાની રહેશે. આ ઉપરાંત જો કોઈ વિદ્યાર્થી પર કોઈ પ્રકારનો ક્રિમિનલ કેસ હશે તો તેને કોલેજમાં પ્રવેશ આપી શકાશે નહીં. પ્રવેશ પ્રક્રિયાઓ વખતે કોલેજોએ આ કાળજી ચુસ્ત રીતે રાખવાની રહેશે.
માર્ગદર્શિકા કહે છે: કોલેજના અંતિમ વર્ષની માર્કશીટ અને ડિગ્રી મેળવતાં અગાઉ વિદ્યાર્થીઓએ કોલેજને ખાતરી આપવાની રહેશે કે, તેમની સામે કોઈ ક્રિમિનલ કેસ નથી, જો કોઈ કેસ થયો હોય તો તેની જાણકારીઓ પણ આપવાની રહેશે. નોંધાયેલી FIR, ફોજદારી કેસ અને તે કેસમાં દોષિત કે નિર્દોષ- એમ તમામ પ્રકારની જાણકારીઓ કોલેજને આપવાની રહેશે.
લો નો અભ્યાસ કરાવતી પ્રત્યેક શૈક્ષણિક સંસ્થાઓ આ તમામ જાણકારીઓ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને મોકલશે અને જ્યાં સુધી કાઉન્સિલની મંજૂરી ન મળે ત્યાં સુધી આ શૈક્ષણિક સંસ્થાઓ સંબંધિત વિદ્યાર્થીઓને અંતિમ વર્ષની માર્કશીટ કે ડિગ્રી આપી શકશે નહીં. કાઉન્સિલ કહે છે: કાયદાકીય વ્યવસાયમાં નૈતિક ધોરણો જાળવી રાખવા આ નિર્ણય લેવામાં આવ્યો છે અને તમામ યુનિ. ને આ અંગે જાણ કરવામાં આવી છે.
આ ઉપરાંત કાઉન્સિલે જણાવ્યું છે કે, CCTV કેમેરાનું રેકોર્ડિંગ ઓછામાં ઓછું એક વર્ષ સાચવવાનું રહેશે. એલએલબીના અભ્યાસ દરમિયાન વિદ્યાર્થીએ અન્ય કોઈ નિયમિત અભ્યાસ કરી ડિગ્રી મેળવી નથી, એવી પણ ખાતરી આપવાની રહેશે. ડિગ્રી મેળવવા દરમિયાન યોગ્ય પરવાનગી વિના કોઈ પણ અભ્યાસક્રમ, નોકરી, સેવા કે વ્યવસાયમાં જોડાઈ શકાશે નહીં. અને, જો પરવાનગી સાથે કોઈ આ રીતે અન્ય જગ્યાએ જોડાયેલ હશે તો તેણે તેની ઘોષણા એટલે કે જાહેરાત કરવાની રહેશે.