Mysamachar.in-ગાંધીનગર:
આગામી દિવસોમાં કોઈ પણ બિલ્ડર અથવા ડેવલપર પોતાના કોઈ પણ બાંધકામ પ્રોજેક્ટની વિવિધ માધ્યમોમાં જાહેરાતો કરશે ત્યારે, તેમણે જાહેરાતો અંગેના નવા નિયમોનું પાલન કરવાનું રહેશે. નિયમો ખૂબ જ ઝીણવટથી બનાવવામાં આવ્યા છે અને RERA કહે છે- આ નવા નિયમોનો અમલ ચુસ્ત રીતે કરવાનો રહેશે.
RERAએ કહ્યું છે: બિલ્ડર, પ્રમોટર કે ડેવલપર કોઈ પણ પ્રકારની પ્રોજેક્ટ જાહેરાત કોઈ પણ માધ્યમમાં જાહેર કરશે ત્યારે આ જાહેરાત આપનારે, યુનિક રેરા રજિસ્ટ્રેશન નંબર- એ સર્ટિફિકેટમાં દર્શાવેલો QR કોડ તથા રેરા વેબસાઈટની URL અચૂકપણે દર્શાવવાની રહેશે. કોન્ટેક્ટ વિગતો માફક આ બધી બાબતો મોટા અક્ષરે દેખાડવાની રહેશે. QR કોડ પણ વ્યવસ્થિત રીતે દર્શાવવાનો રહેશે.

આ સાથે જ ઓડિયો અને વીડિયોની જાહેરાતો સંબંધે પણ અલગથી સૂચનાઓ આપવામાં આવી છે. જે લોકો જાહેરાત સંબંધી આ કોઈ પણ સૂચનાનો અમલ યોગ્ય રીતે નહીં કરે, તેમની વિરુદ્ધ રેરા કાયદાની કલમ-63 અન્વયે કાર્યવાહીઓ કરવામાં આવશે. સૂચનામાં એમ પણ જણાવાયું છે કે, આ સૂચનાઓના અમલ સમયે અર્થઘટન બાબતે કોઈ પણ વિવાદ ઉભો થશે ત્યારે, ઓથોરિટીનો નિર્ણય આખરી ગણવામાં આવશે.
