Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયા નજીકના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા એક પ્રૌઢાના ઘરમાં બે દિવસ પૂર્વે તસ્કરોએ ખાતર પાડી, મકાનમાં રાખવામાં આવેલા સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ સહિત કુલ રૂપિયા 6.24 લાખના મુદ્દામાલની ચોરી થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં શિરુવાડી પાસે એકલા રહેતા અને છૂટક મજૂરી કામ કરીને ગુજરાત ચલાવતા મંજુબેન જેઠાભાઈ ગોવાભાઈ રાઠોડ નામના 50 વર્ષના પ્રૌઢાની બે પુત્રીઓ કે જેમના લગ્ન થઈ ચૂક્યા છે, તે મંજુબેન રાઠોડ ગત રવિવાર તા. 6 ના રોજ સવારના સમયે તેમના પાડોશમાં રહેતા એક મહિલા તથા તેમના પરિવારજનો સાથે રિક્ષામાં બેસીને ગ્રામ્ય વિસ્તારમાં આવેલા મંદિરે દર્શન કરવા ગયા હતા. જ્યાંથી તેઓ બપોરે ત્રણેક વાગ્યે પરત પહોંચતા મંજુબેને પોતાના ઘરની બહાર લોખંડના ડેલાનું તાળું ખોલવા જતા આ તાળાનો નકુચો વળી ગયો હતો અને તાળું તૂટેલું જોવા મળ્યું હતું.
ત્યાર બાદ તેઓએ અંદર જઈને જોતા ઘરમાં રહેલા કબાટનો દરવાજો પણ ખુલ્લો જોવા મળ્યો હતો અને અહીં રાખવામાં આવેલા બોક્સનું તૂટેલું તાળું અને ખુલ્લું ઢાંકણું જોવા મળતા તેમને પોતાના ઘરમાં ચોરી થયાનું જાણવા મળ્યું હતું. આ બનાવથી હતપ્રભ બની ગયેલા મંજુબેન રાઠોડએ પોતાના ઘરની વધુ તપાસમાં અહીં રાખવામાં આવેલો રૂપિયા બે લાખની કિંમતનો આશરે સાડા ત્રણ તોલાનો સોનાનો ચેન તેમજ રૂપિયા 1.80 લાખની કિંમતની આશરે ત્રણ તોલા સોનાની કંઠી, રૂ. 1.80 લાખની કિંમતનું ત્રણ તોલાનું પેન્ડલ, રૂપિયા 40 હજારની કિંમતની ત્રણ સોનાની વીંટી, રૂપિયા 8,000 ની કિંમતના ચાંદીના સાંકળા ઉપરાંત મંજુબેને મજુરી કામ કરીને ભેગા કરેલા રૂપિયા 16,000 ની રોકડ રકમ, આ સ્થળેથી ગાયબ જોવા મળી હતી.
આમ, કોઈ તસ્કરોએ પાંચ કલાકના સમયગાળા દરમિયાન બંધ મકાનમાં ખાતર પાડીને ચોરીનો અંજામ આપી, આ સ્થળેથી રૂપિયા 6.24 લાખના મુદ્દામાલની ચોરી કર્યાનું જાહેર થયું છે. જે અંગે પોલીસે મહિલાની ફરિયાદ પરથી અજાણ્યા તસ્કરો સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. આ પ્રકરણમાં તસ્કરોને ઝડપી લેવા માટે અહીંના પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ તેમની ટીમ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.