Mysamachar.in:દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થોડાં મહિનાઓ પહેલાં બેટદ્વારકા ખાતે દરિયાકાંઠે આવેલા સંખ્યાબંધ ગેરકાયદે બાંધકામોને તહસનહસ કરવામાં આવ્યા પછી, તાજેતરમાં તંત્રનાં બુલડોઝરો યાત્રાધામ હર્ષદ ગાંધવી નજીકની લાખો ચોરસ ફુટ જમીનો પર ખડકાયેલાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા છે અને સંખ્યાબંધ ગેરકાયદે બાંધકામોને તોડી પાડવામાં આવ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના હર્ષદ ગાંધવી સહિતના દરિયાકાંઠાનાં ગ્રામ્ય વિસ્તારોમાં ગત્ શનિવાર તથા રવિવારે સ્થાનિક અને જિલ્લાનાં વહીવટીતંત્રએ તોતિંગ પોલીસ બંદોબસ્ત વચ્ચે સેંકડો ગેરકાયદે બાંધકામો તોડી પાડયા છે.
ખૂબ જ સાયલન્ટ રીતે આ મેગા ડીમોલીશન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. અને આ દબાણહટાવ ઓપરેશન દરમિયાન કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા જડબેસલાક વ્યવસ્થા કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, કાલે રવિવારે મુખ્યમંત્રી ખુદ દ્વારકા યાત્રાધામની મુલાકાતે હતાં. કલેકટર મુકેશ પંડ્યાની સીધી નજર હેઠળ, એસપી નિતેશ પાંડેએ ગોઠવેલાં સજ્જડ બંદોબસ્ત વચ્ચે SDM પાર્થ તલસાણિયા અને કલ્યાણપુર મામલતદાર દક્ષાબેન રીંડાણી સહિતનાં અધિકારીઓનાં માર્ગદર્શન પ્રમાણે આગળ વધારવામાં આવી રહેલાં આ ઓપરેશન દરમિયાન બે ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ અને સમીર સારડાની આગેવાની હેઠળ સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના વહીવટીતંત્રનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, શનિવારે 11મી માર્ચે તંત્ર દ્વારા કુલ 102 ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતાં અને રૂ.1.97 કરોડની અંદાજિત બજારકિંમત ધરાવતી આશરે 3.70લાખ ચોરસફુટ જમીનો ખૂલ્લી કરાવવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન તંત્ર દ્વારા 4 ધાર્મિક સ્થળો ઉપરાંત 33 કોમર્શિયલ અને 65 રહેઠાણ બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતાં. આ મેગા ડીમોલીશન ઓપરેશન રવિવારે રજાનાં દિવસે પણ ઝપાટાભેર આગળ વધારવામાં આવ્યું હતું.
રવિવારે મુખ્યમંત્રી યાત્રાધામ દ્વારકામાં એક કાર્યક્રમમાં ઉપસ્થિત હતાં ત્યારે યાત્રાધામ હર્ષદગાંધવી નજીકની દરિયાઈ પટ્ટી પર મેગા ડીમોલીશન ઓપરેશન આગળ વધી રહ્યું હતું. રવિવારે દિવસ દરમિયાન તંત્ર દ્વારા આ વિસ્તારમાં 137 ગેરકાયદે બાંધકામો તોડી પાડી રૂ.1.98 કરોડની અંદાજિત બજારકિંમત ધરાવતી આશરે 5.10 લાખ ચોરસફુટ જમીનો ખૂલ્લી કરાવી હતી. આ કામગીરી દરમિયાન તોડી પાડવામાં આવેલાં ગેરકાયદે બાંધકામોમાં 16 કોમર્શિયલ અને 121 રહેણાંક મકાનોનો સમાવેશ થતો હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બેટ દ્વારકા માફક આ વિસ્તારમાં પણ વર્ષોથી ગેરકાયદે બાંધકામો ખડકાયેલા હતાં અને આવા બાંધકામોની સંખ્યા વધતી જતી હતી. સૌ જાણે છે એમ આ સમગ્ર દરિયાઈ પટ્ટી રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવી રહી છે. અને ભૂતકાળમાં અહી રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ પણ આચરવામાં આવેલી. જેને ધ્યાનમાં રાખી વડી અદાલતે પણ તાજેતરમાં જ આ મેગા ડીમોલીશન ઓપરેશનને લીલી ઝંડી આપી હતી.