Mysamachar.in-રાજકોટ:
જો GSTના અધિકારીઓ આગામી દિવસોમાં કૌભાંડીઓ વિરુદ્ધ નિયમાનુસાર પગલાંઓ લેશે તો, જામનગર અને દેવભૂમિ દ્વારકા ઉપરાંત રાજકોટ અને મોરબીમાં પણ બોગસ GST નંબરો પર ખેલ કરનારાઓના તહેવારો બગડી જશે. કારણ કે, એકશન પૂર્વેની તૈયારીઓ હાલ ચાલી રહી હોવાનું ખુદ તંત્ર જણાવે છે.
અત્યંત આધારભૂત સૂત્ર દ્વારા જાહેર થયું છે કે, ઉપરોકત ચાર જિલ્લાઓમાં 1,200 બોગસ GST નંબર હાલ કાર્યરત હોવાનું અધિકારીઓના ધ્યાન પર આવ્યું છે. અધિકારીઓ કહે છે, આ નંબરોનો ઉપયોગ કરીને આ તત્વોએ રૂ. 1,500 કરોડના કૌભાંડ આચરી લીધાં છે. (અહીં સવાલ એ છે કે, આ કૌભાંડ થઈ ગયા ત્યાં સુધી, આ ચારેય જિલ્લાઓના સ્થાનિક અધિકારીઓ ક્યાં હતાં ? શું કરતાં હતાં ?)
અત્રે ઉલ્લેખનિય છે કે, GSTના અધિકારીઓ બોગસ બિલિંગ, ટેક્સ ચોરી અને ખોટી રીતે ટેક્સ ક્રેડિટ લઈને સરકારની તિજોરીમાંથી નાણાં ઉસેડી લેવાના કૃત્યોને અટકાવી શક્યા નથી, તેથી અધિકારીઓ ખુદ શંકાના દાયરામાં છે. વીજચોરી માફક આ ટેક્સ ચોરીમાં પણ તંત્રની’સહભાગિતા’ હોય છે ? એવો પ્રશ્ન પણ અસ્થાને નથી. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, છેક દિલ્હીથી 16 ઓગસ્ટથી સતત 60 દિવસ માટે, આ પ્રકારના કૌભાંડ અને કુંડાળાઓ ઝડપી લેવા વિભાગે ઝુંબેશ શરૂ કરી છે.
જો આ ઝુંબેશ તોડ માટેની નહીં હોય તો, કુંડાળાઓ ચિતરનારા ઘણાં લોકોના નામો બહાર આવી જશે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ દોડધામ થઈ જશે. કારણ કે, આ ચાર જિલ્લાઓ સમાવતું GST નું રાજકોટ કમિશનરેટ પણ અવારનવાર ચર્ચાઓમાં રહે છે. ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર દરમિયાન, આ ચાર જિલ્લાઓમાં પણ એકશનની સંભાવનાઓ હાલ વ્યક્ત થઈ રહી છે.
ડાયરેક્ટર જનરલ રિસ્ક મેનેજમેન્ટના આંકડાઓ કહે છે: આ ચાર જિલ્લાઓમાં 1,200 બોગસ GST નંબર ધ્યાન પર આવ્યા છે. આ નંબરોનો ઉપયોગ કરીને રૂ. 1,500 કરોડના કૌભાંડ થયા છે. દિલ્હી DGRMએ આ યાદી રાજકોટ GST કમિશનરેટને મોકલાવી છે. હવે આ સ્થાનિક કમિશનરેટ આ લિસ્ટનું શું કરે છે, તેના પર જો અને તો નો આધાર છે. એમ કહેવાય છે કે, CGSTનો પ્રિવેન્શન વિભાગ આ યાદીના આધારે એક્શન તરફ આગળ વધશે. જો કે આ પણ માત્ર અટકળ અને અનુમાન છે, રાજકોટ ખાતેથી કોઈ ઉચ્ચ અધિકારીએ આ બાબતે હજુ સુધી ખોંખારો ખાધો નથી.