Mysamachar.in-રાજકોટ:ગાંધીનગર
રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકામાં પાળ નામનું એક ગામ છે. આ ગામમાં ગાયત્રી હાઈસ્કૂલ છે. આ શાળાનો એક ટ્રસ્ટી અને એક કારકૂન લાંચના એક છટકામાં ACB ના હાથે ઝડપાઈ ગયા છે. આ ઉપરાંત ગાંધીનગર તાલુકાના ચીલોડા પોલીસ સ્ટેશનનો એક કોન્સ્ટેબલ પણ લાંચમાં ઝડપાઈ ગયો.
લોધીકાના પાળની ગાયત્રી હાઈસ્કૂલનો જે ટ્રસ્ટી લાંચમાં ઝડપાઈ ગયો તેનું નામ ગુણવંતરાય ચુનીલાલ ખીરા છે અને આ જ સંસ્થાનો ક્લાર્ક ધર્મેન્દ્ર ભાનુશંકર ખીરા પણ ટ્રસ્ટીની સાથે લાંચમાં ઝડપાઈ ગયો છે. આ બંનેએ એક નિવૃત શિક્ષકની રૂ. 12.50 લાખની હક્કહિસ્સાની રકમ પાસ કરાવી અપાવવા બાબતે રૂ. 2 લાખની લાંચ માગી હતી, આ રકમની લેતીદેતીઓ વાણિયાવાડ વિસ્તારમાં થઈ રહી હતી ત્યારે ACBની ટીમ ત્રાટકી અને ટ્રસ્ટી તથા ક્લાર્કને પકડી લીધાં. આ મામલામાં લાંચની માગણી રૂ. 3 લાખની થઈ હતી, આખરે રૂ. 2 લાખમાં પતાવટ નક્કી થઈ હતી.
લાંચનો અન્ય એક મામલો ચીલોડા પોલીસ સ્ટેશનનો છે. અહીંના કોન્સ્ટેબલ યુવરાજસિંહ શંકરસિંહ નારૂકાએ દારૂનો એક મામલો રૂ. 3 લાખમાં સેટ કરી આપવા આ રકમની માગણી કરી હતી. આ મામલામાં ફરિયાદી મહિલાના પતિને દારૂના એક કેસમાં વોન્ટેડ દેખાડવામાં આવ્યો હતો. આ મામલામાં છેલ્લે જો કે રૂ. 1.10 લાખમાં પતાવટ નક્કી થયેલી. મહિલાએ આ રકમ આરોપી પોલીસ કોન્સ્ટેબલને પહોંચાડવાને બદલે ખુદ ACB સમક્ષ પહોંચી ગઈ અને આ કોન્સ્ટેબલને છટકામાં પકડાવી દીધો. આ કોન્સ્ટેબલ પોલીસ સ્ટેશનમાંથી જ ઝડપાઈ ગયો છે. આ બે મામલાને કારણે સૌરાષ્ટ્ર તથા ગુજરાતમાં સંબંધિતોમાં ફફડાટ શરૂ થઈ ગયો છે.