Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિતના રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પ્રદૂષણ કાયમ સંવેદનશીલ અને ચર્ચાસ્પદ મુદ્દો રહ્યો છે, જો કે મોટેભાગે તો પ્રદૂષણ સંબંધિત ફરિયાદોનો સરકારી ઢબે નિકાલ કરી નાંખવામાં આવતો હોય છે અને એ રીતે ફરિયાદમાંથી નખ અને દાંત ખેંચી લેવામાં આવતાં હોય છે.
તાજેતરમાં, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલી કંપની નયારા એનર્જી વિરુદ્ધની પ્રદૂષણની ફરિયાદોનો મુદ્દો વિધાનસભા ગૃહમાં પણ ચમકયો હતો. જો કે, આ મુદ્દે સરકારે આપેલાં જવાબમાં કોઈ વિશેષ મુદ્દો બહાર આવવા પામ્યો નથી. નયારા વિરુદ્ધ બે વર્ષ દરમિયાન પ્રદૂષણ સંબંધિત જે ફરિયાદો થયેલી, તેની વિગતો ગૃહમાં આપવામાં આવી હતી.
વિધાનસભા ગૃહમાં એક ધારાસભ્ય દ્વારા પૂછવામાં આવેલાં એક પ્રશ્નના ઉત્તરમાં, રાજયકક્ષાના વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલએ કહ્યું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલી નયારા એનર્જી લિમિટેડ કંપની દ્વારા હવા, પાણી પ્રદૂષણ અને વેસ્ટના નિકાલ સંબંધિત પ્રદૂષણ મામલે, સરકારને 31-12-2023ની સ્થિતિએ, છેલ્લા બે વર્ષ દરમિયાન કુલ 14 ફરિયાદો મળી હતી. વર્ષ 2022 દરમિયાન 3 ફરિયાદો અને વર્ષ 2023 દરમિયાન કુલ 11 ફરિયાદો મળી હતી.
મંત્રીએ વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, નયારા એનર્જી લિમિટેડ કંપની વિરુદ્ધ મળેલી ફરિયાદો સંબંધે સંપૂર્ણ માહિતીઓ મેળવીને તેને સૂચનાઓ આપવામાં આવે છે. જો સૂચનાઓનું પાલન ન થાય તો કારણદર્શક નોટિસ પાઠવવામાં આવે છે. આ ઉપરાંત ગંભીર ગુનાઓમાં કાર્યવાહીઓ પણ કરવામાં આવે છે. છેલ્લા બે વર્ષ દરમિયાન મળેલી 14 પૈકી 11 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે.