Mysamachar.in-અમદાવાદ:
ગુજરાતની વડી અદાલતે જમીનના એક મામલામાં IPC હેઠળ નોંધાયેલી એક FIR તથા એ જ મામલામાં દાખલ થયેલી લેન્ડગ્રેબિંગની ફરિયાદને ‘એક’ જ ગણી લેવાની માંગ ફગાવી દઇ એક મહત્વપૂર્ણ અવલોકન જાહેર કર્યું. લેન્ડગ્રેબિંગના એક મામલામાં વડી અદાલતે 77 પાનાનો એક વિસ્તૃત ચુકાદો આપ્યો. આ ચુકાદો જસ્ટિસ નિરવ મહેતાની કોર્ટમાં અપાયો. જેમાં જમીન હડપનારાઓ વિરુદ્ધ IPC તથા લેન્ડગ્રેબિંગ એમ બંને કાયદાઓ હેઠળ ફોજદારી કેસ ચલાવવા મંજૂરી આપવામાં આવી છે.
વડોદરા જિલ્લામાં એક જ જમીન પરના કેસમાં આરોપીઓ સમાન હોવા છતાં, આ ગુના ‘કલબ’ કરી એક સાથે ટ્રાયલ કોર્ટમાં ચલાવવા થયેલી માંગને વડી અદાલતે ફગાવી દીધી છે. આ કેસમાં આરોપીઓ સામે વર્ષ 2021માં IPC ની કલમો અંતર્ગત એક ગુનો દાખલ થયો હતો. અને આ જ પ્રકરણમાં બાદમાં લેન્ડગ્રેબિંગ કાયદા મુજબ પણ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો.

પક્ષકારોની દલીલો અને કાયદાકીય જોગવાઈઓને ધ્યાનમાં રાખી વડી અદાલતે આપેલા આ વિસ્તૃત ચુકાદામાં કહ્યું કે, IPC હેઠળ દાખલ થયેલો ગુનો બીજા ગુના સાથે સંલગ્ન ન ગણી શકાય. બંને કાયદા અનુસાર દાખલ થયેલાં ગુનાઓ અલગ છે એટલું જ નહીં, બંને કેસમાં પૂછપરછ, તપાસ અને ટ્રાયલ પણ અલગ રહી છે. ત્યારે બંને સમાન કે એક ગુના ન ગણી શકાય.
આ ચુકાદામાં લેન્ડગ્રેબિંગ કાયદાની કલમો 7, 9, 11 અને 12 તથા CrPCની કલમ 4(2)ની જોગવાઈઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો. વડી અદાલતે એવું મહત્વપૂર્ણ અવલોકન કર્યું કે, લેન્ડગ્રેબિંગ કાયદા મુજબની FIR રદ્દ કરીને પ્રથમ ની FIR માં ક્લબ કરીને તપાસ થવાના સંજોગોમાં ફરિયાદી તરફ પૂર્વગ્રહની છાપ ઉપસી શકે. લેન્ડગ્રેબિંગ કાયદામાં ખાસ અદાલતને ફોજદારી ઉપરાંત દીવાની પાસા નક્કી કરવાના પણ ખાસ અધિકાર આપવામાં આવ્યા છે. ઉપરાંત જમીનનો કબજો સોંપવાની પણ સતા છે. આમ આરોપીને સજા કરાવવા ઉપરાંત જમીનનો કબજો મેળવવાના ફરિયાદીના હક્ક માટે આ જરૂરી છે. લેન્ડગ્રેબિંગ કાયદાને IPC ની પ્રથમ FIR સાથે જોડી દેવાથી ફરિયાદીના અધિકારને નુકસાન થઈ શકે, એમ વડી અદાલતે અવલોકન કર્યું.