Mysamachar.in-ગાંધીનગરઃ
રાજ્યમાં એક પછી એક સરકારી કચેરીઓમાં ભરતી માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, પરંતુ પરીક્ષા લીધા બાદ મહિનાઓ સુધી પરિણામ જાહેર કરવામાં આવતું નથી જેના કારણે ઉમેદવારોમાં ભારોભાર રોષ જોવા મળે છે, જેમાં પેપર લીક થવાને કારણે સૌથી વધુ ચર્ચા લોકરક્ષક દળની પરીક્ષાની થઇ હતી, પેપર ફૂટતા પરીક્ષા વિભાગ પર અનેક સવાલો ઉઠ્યા હતા, અંતે સરકારે ફરી પરીક્ષા યોજી સમગ્ર મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પરીક્ષાને દોઢ વર્ષ થયું હોવા છતા નિમણૂક પત્ર ન અપાતા ઉમેદવારોમાં નારાજગી જોવા મળી રહી હતી. હવે રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જાહેરાત કરી છે કે 1 ડિસેમ્બરે કુલ 9713 ઉમેદવારોને નિમણૂક પત્ર આપવામાં આવશે. તો ભરતી પ્રક્રિયામાં કેમ મોડું થયું તેનું કારણ પણ ગૃહમંત્રીએ જણાવ્યું હતું. પ્રદિપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે લોકરક્ષકના 3150, એસઆરપીના 6009, પુરુષ જેલ સિપાઇના 499, મહિલા જેલ સિપાઇના 55 એમ કુલ 9713 ઉમેદવારની બધી જ પ્રક્રિયા પૂર્ણ થઈ છે. હવે પાસ થનારા તમામ ઉમેદવારોને 1 ડિસેમ્બરના રોજ નિમણૂક પત્ર આપવામાં આવશે. તો ST/SC ઉમેદવારોના પ્રમાણપત્રોની ખરાઈ કરવાની પ્રક્રિયામાં વધુ સમય લાગ્યો છે, કારણ કે કેટલાક ઉમેદવારોએ દસ્તાવેજો રજુ કર્યા ન હતા.