Mysamachar.in-જામનગરઃ
છેલ્લા કેટલાક સમયથી પાસપોર્ટની અરજીમાં ધરખમ વધારો થયો છે, ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છના લોકો દ્વારા પાસપોર્ટની અરજી કર્યા બાદ રાજકોટ કે અમદાવાદ ધક્કા ખાવા પડતાં હતા જેના કારણે બે દિવસનો સમય બગડતો હતો, પરંતુ પાસપોર્ટ વિભાગ દ્વારા હવે પોસ્ટ ઓફિસમાં બાયોમેટ્રિક સિસ્ટમ શરૃ કરી દેવામાં આવી છે, જેથી પ્રક્રિયા ઝડપી થવાની સાથે અરજદારનો કિંમતનો સમય અને નાણાં બંને બચશે. પાસપોર્ટ માટે અરજી કરનારને હવે નવી ડિઝાઇન સાથે પાસપોર્ટ ઇશ્યૂ કરાશે. એટલું જ નહીં 2012માં પીએસકે સેન્ટરો ચાલુ થયા તે પહેલા જેમને પાસપોર્ટ ઇશ્યૂ કરાયા છે તેમના પાસપોર્ટ જો રિન્યૂ કરાવવાના હશે તો અમદાવાદ પાસપોર્ટ ઓફિસમાંથી અરજદારને ઓટામેટિકલી એસએમએસ જતો રહેશે. ડિસેમ્બર ૨૦૧૯ સુધીમાં ૬,૯૩,૭૬૫ પાસપોર્ટ ઇશ્યૂ કરાયા છે. સામાન્ય રીતે રોજની ૩,૬૨૦ પાસપોર્ટ અરજીઓનું પ્રોસેસિંગ કરવામાં આવે છે.
સામાન્ય રીતે પાસપોર્ટની વયમર્યાદા પૂર્ણ થયાથી લોકો અજાણ હોય છે, જેના કારણે વિદેશમાં ટ્રાવેલ કરતાં લોકોને મુશ્કેલીઓ પડતી હોય છે, પરંતુ હવે પાસપોર્ટ ઓફિસ તરફથી ૨૦૧૦ પછી જેમના પાસપોર્ટ ઇશ્યૂ થયા છે તેમના અસએમએસ દ્વારા જાણ કરાશે. તેમણે જણાવ્યું કે, ગુજરાત,રાજસ્થાન,દમણ અને દીવના અરજદારોના ડોક્યુમેન્ટ વિરેફિકેશનનુ આઉટ ર્સોર્સિંગ કરાયું છે. જે તે એજન્સી ડોક્યુમેન્ટ ચેકિંગ કરીને અમને સબમિટ કરશે. રાજ્યમાં ૧૯ પોસ્ટ ઓફિસોમાં બાયોમેટ્રિક સિસ્ટમ છે.
રોજ કેટલા પાસપોર્ટનું પ્રિન્ટિંગ થાય છે ?
પાસપોર્ટ અંગે વધુ માહિતી આપતાં અમદાવાદના રિજિનલ પાસપોર્ટ ઓફિસર સોનિયા યાદવે જણાવ્યું કે રોજના ૨,૪૦૦ પાસપોર્ટનું પ્રિન્ટિંગ થાય છે. હવે અરજદારોને નવી ડિઝાઇન સાથેનો પાસપાર્ટ મળશે. નવા ફેરફારો મુજબ પાસપોર્ટની ડિઝાઇન બદલાશે. સિક્યોરિટી ફીચર્સમાં ફેરફાર થશે. પેપર ક્વોલિટી અને પ્રિન્ટિંગ ક્વોલિટીમાં ફેરફાર થયા છે.પહેલા પાસપોર્ટમાં નામ ઉપરની લાઇન અને નીચેની લાઇનમાં આવતા હતા એટલે એક લાઇનનો ઉમેરો કરાયો છે. નામ બે લાઇનમા નહીં આવે અને સરનામા લાંબા હોવાથી લાઇનનો ઉમેરો કર્યો છે. પાસપોર્ટ ઓફિસમાં રોજની ૩,૬૨૦ અરજીઓ આવે છે. ડિસેમ્બર ૨૦૧૯ સુધીમાં ૬.૯૩ લાખ પાસપોર્ટ ઇશ્યૂ કરી દેવાયા છે.પાસપોર્ટ અદાલતમાં ચાર હજાર કેસોનો નિકાલ કરાયો છે.