Mysamachar.in-અમદાવાદઃ
થોડા સમય પહેલા જ લાખોની કિંમતના પુસ્તકો ગાયબ થયાની વાત સામે આવી હતી, પરંતુ હવે રાજ્યના શિક્ષણ બોર્ડની ઘોર બેદરકારી સામે આવી છે. બોર્ડની પરીક્ષામાં વપરાતા સ્ટીકર, ઉત્તરવહી, OMR સીટ કવર, ફાઇલો સહિતની મોટી સંખ્યામાં સામગ્રી અમદાવાદ સ્થિત શહેરનાં પીરાણા વિસ્તારમાં આવેલા એક ખુલ્લા ગોડાઉનમાં રઝળતી હાલતમાં મળી આવતા હડકંપ મચ્યો છે. આ તમામ સામગ્રી સ્ક્રેપના ગોડાઉનમાંથી મળી આવી છે. જેમાં તપાસ કરતા જાણવા મળ્યું કે, તમામ સામગ્રી અમદાવાદ, પોરબંદર, રાજકોટની છે, જે 2015થી 2019 સુધીની છે. સરફરાઝ નામના વ્યક્તિના ગોડાઉનમાંથી આવી સામગ્રી મળી આવી છે. જે બે મહિના પહેલા ગાંધીનગરથી લવાઈ હતી. આમ, આ તમામ સામગ્રી અનેક સવાલો ઉભા કરી રહી છે.
શું શું મળી આવ્યું ?
કચરાના ઢગલા વચ્ચે ગોડાઉનમાંથી બોર્ડની પરીક્ષામાં વપરાતા સ્ટીકર, ઉત્તરવહી, ખન્ડનિરીક્ષકના આઈ કાર્ડ, OMR શીટના કવર, GTU ના સિક્કાવાળા કવર, નવી માધ્યમિક શાખા માટેની દરખાસ્ત ફાઇલ, પોલીસ સબઇન્સ્પેક્ટર ભરતી બોર્ડ પ્રિલીમીનરી પરીક્ષાના કવર, HSC માર્ચ 2017ની પરીક્ષાના કવર, OMR શીટના પેકીંગ કવર, GTU ની ઉત્તરવહી, પ્રશ્નપત્રો, બોર્ડની પરીક્ષાના પ્રવેશપત્ર, માર્ચ 2019ના પ્રશ્નપત્ર, પ્રાયોગિક પરીક્ષા 2019ના સીલબંધ કવર, જવાબ લખેલી બોર્ડની ઉત્તરવહી, ધોરણ 12 સાયન્સની માર્કશીટ, વિદ્યાર્થીઓના ચૂંટણી કાર્ડની ઝેરોક્ષ, પાસપોર્ટની ઝેરોક્ષ, એલસીની ઝેરોક્ષ મળી આવી છે. ડમ્પિંગ સાઈટ પાસે આવેલા ગોડાઉનમાંથી નવી માધ્યમિક શાખા માટેની દરખાસ્ત ફાઇલ મળી આવી છે. આ ઉપરાંત પણ બાળકોને શિક્ષણમાં ઉપયોગી થાય એવી એવી સામગ્રીઓ મળી આવ્યું છે.