Mysamachar.in-ગાંધીનગર:
જામનગર સહિત સમગ્ર રાજ્યના કલેક્ટરોને જમીન સંબંધિત વિશાળ સતાઓ આપતો એક નિર્ણય રાજ્ય સરકારે જાહેર કર્યો છે, જેને કારણે જમીનના ધંધાર્થીઓને ગાંધીનગરના ધક્કા બચી જશે અને આ નિર્ણયથી શહેરોના વિકાસને વેગ મળશે. અત્યાર સુધી એવી પદ્ધતિઓ હતી કે, ખેતીની જમીન બિનખેતી કરીને તેમાં હેતુફેર કરવાનો હોય તો, જે જમીનનું વેલ્યુએશન રૂ. 50 લાખથી વધુ હોય તેવા કેસમાં બોનાફાઈડ ખરીદદારે રાજ્ય સરકારમાંથી મંજૂરી મેળવવી પડતી. કારણ કે, તેની પ્રીમિયમ વસૂલાતની સતાઓ કલેક્ટર પાસે ન હતી. આથી જમીનના ધંધાર્થીઓએ ગાંધીનગર જવું પડતું. કામમાં વિલંબ થતો. ગાંધીનગર એક કરતાં વધુ વખત ધક્કા ખાવા પડતા.
હવે પ્રીમિયમ વસૂલાતની સતાની સોંપણીમાં ફેરફાર કરવામાં આવ્યો. દાખલા તરીકે જે જમીનનું વેલ્યુએશન રૂ. 50 લાખથી માંડીને રૂ. 5 કરોડ સુધીનું હોય, અને તે જમીનમાં બિનખેતી હેતુફેર કરવાનો હોય, તેવા કેસમાં પણ પ્રીમિયમ વસૂલાતની સતાઓ કલેક્ટરને આપવામાં આવી. આથી હવે આવા કામો સ્થાનિક કક્ષાએ થઈ જશે.
અત્યાર સુધી આવી મંજૂરીઓ માટેની અરજીઓ ગાંધીનગરમાં એકઠી થતી, પછી સચિવાલય કક્ષાએ તેનો નિર્ણય થતો. આથી રાજ્યકક્ષાએ મંજૂરીઓ મળવામાં વિલંબ થતો, ધંધાર્થીઓ ગાંધીનગર સુધી ધક્કા લગાવવા મજબૂર હતાં. હવે રૂ. 5 કરોડ સુધીનું વેલ્યુએશન ધરાવતી આવી જમીનોના મામલા કલેક્ટર કક્ષાએ નિપટાવી શકાશે. આથી મંજૂરીઓની પ્રક્રિયાઓ ત્વરિત થઈ શકશે. તેથી શહેરોમાં અને શહેરોની આસપાસ મોટી જમીનો બાંધકામ માટે ઝડપથી બિનખેતી થઈ છૂટી થવાથી શહેરોનો વિકાસ ઝડપી થશે. જો કે, આવી જમીનો ધડાધડ છૂટી થતાં ધંધાર્થીઓમાં હરિફાઈ વધશે, જમીનોની ઉપલબ્ધિ વધુ ઝડપથી વધશે આથી એવું પણ બને કે, મકાનોની કિંમતમાં જે કૃત્રિમ તેજી હોય તેનો પરપોટો ફૂટી જાય અને મકાન ખરીદનારાઓને વાજબી ભાવે પસંદગીની જગ્યાએ મિલકતો ઉપલબ્ધ થઈ શકે. આ નિર્ણયથી મકાન ખરીદનારાઓને પણ ફાયદો થશે.