Mysamachar.in-જામનગર:
જામનગરમાં દર શિયાળે સેંકડો તિબેટીયન વેપારીઓ લાખો રૂપિયાનો ગરમ વસ્ત્રોનો જથ્થો લઇ બજારમાં વેપાર કરવા ઉતરી પડે છે, આ વેપારીઓ ગુજરાત સરકારના તથા મહાનગરપાલિકાના બધાં જ નિયમો, જોગવાઈ અને કાયદાઓનો છડેચોક ભંગ કરી, ગ્રાહકો સાથે પણ નિયમો વિરુદ્ધનું આચરણ કરતાં હોવાની બૂમ ઉઠ્યા પછી, આ વર્ષે પ્રથમ વખત આ વેપારીઓ વિરુદ્ધ તંત્ર સમક્ષ ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા અસરકારક રજૂઆત-ફરિયાદ થતાં તંત્રએ આ વેપારીઓને નોટિસ ફટકારી નિયમોનું પાલન કરવા મજબૂર કર્યા છે. હવે આ વિદેશી વેપારીઓની મનમાની નહીં ચાલે અને સ્થાનિક ગ્રાહકોના અધિકારોની સુરક્ષા અને જાળવણી થશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, આ વિદેશી વેપારીઓ જામનગરના ગ્રાહકો સાથે યોગ્ય વ્યવહાર કરતાં ન હતાં. કોઈ કિસ્સામાં ગ્રાહકને અહીંથી ખરીદેલું ગરમ વસ્ત્ર બદલવાની જરૂરિયાત ઉભી થાય ત્યારે, આ વેપારીઓ વસ્ત્ર બદલાવી આપતાં ન હતાં. આ ઉપરાંત આ વેપારીઓ ગ્રાહકોને વેચાણ કરેલો માલ પરત પણ રાખતાં ન હતાં, માલના નાણાં પરત આપતાં ન હતાં. આ પ્રકારની અસંખ્ય રજૂઆત જામનગર ગ્રાહક સુરક્ષા મંડળને મળી હતી તેથી સંસ્થાના પ્રમુખ કિશોર મજીઠીયાએ આ બાબતે સંબંધિત તંત્રનું ધ્યાન દોર્યું હતું.
ત્યારબાદ જામનગરની કાનૂની માપ વિજ્ઞાન કચેરીના મદદનીશ નિયંત્રક દ્વારા આ વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી અને ગ્રાહક સુરક્ષા માટેના સરકારના તમામ નિયમોનું પાલન કરવા જણાવ્યું અને ગ્રાહકોના તમામ હક્કોના રક્ષણ માટે આ તિબેટીયન વેપારીઓને કડક સૂચનાઓ આપતાં, હવે જામનગરના હજારો ગ્રાહકો આ વેપારીઓ સાથેની લેણદેણમાં પોતાના અધિકારો ભોગવી શકશે અને વેપારીઓની મનમાની ચાલશે નહીં.
અત્રે ઉલ્લેખનિય છે કે- સરકારે નિયમ બનાવેલો છે કે, ચોક્કસ સંજોગોમાં વેપારીઓએ વેચાણ કરેલી ચીજો અથવા માલ પરત લેવો પડે. આ સંજોગોમાં માલ બદલી આપવો પડે અથવા ગ્રાહકને નાણાં પરત પણ આપવા પડે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ તિબેટીયન વેપારીઓ વર્ષોથી જામનગરના ગ્રાહકો સાથે મનમાની ચલાવતા હતાં, પ્રથમ વખત એમની વિરુદ્ધ તંત્રએ કાર્યવાહીઓ કરી છે અને એ પણ ગ્રાહક સુરક્ષા મંડળની ફરિયાદ રજૂઆત બાદ. આથી હવે જામનગરના ગ્રાહકો છેતરાઈ જવાની કોઈ જ ભીતિ વિના અહીંથી ખરીદી કરી શકશે.