Mysamachar.in-અમદાવાદ:
થોડાં મહિનાઓ અગાઉ ગત્ સરકારમાં 3 નવા ક્રિમિનલ કાયદાઓ ઘડાયા હતાં અને મંજૂર કરવામાં આવ્યા હતાં જેનો અમલ આજે 1 જૂલાઈથી દેશભરમાં શરૂ થયો છે. જો કે કાયદાશાખાના વિદ્યાર્થીઓ હજુ જૂના કાયદાઓ જ ભણશે, કેમ કે નવો અભ્યાસક્રમ હજુ તૈયાર થયો નથી. નવા ત્રણેય કાયદાઓના નામો બદલવામાં આવ્યા છે.
આજથી IPC ઈન્ડિયન પિનલ કોડના સ્થાને ભારતીય ન્યાય સંહિતા નામનો કાયદો અમલમાં આવ્યો છે. જે ટૂંકમાં BNS તરીકે ઓળખાશે. જૂના કાયદામાં 511 કલમો હતી, હવે નવા કાયદામાં 358 કલમો રાખવામાં આવી છે. સુધારાઓ સાથે તેમાં નવા 20 ગુનાઓ સામેલ કરવામાં આવ્યા છે. 33 ગુનાઓ માટે સજાની મુદ્દત વધારવામાં આવી છે. 83 ગુનાઓમાં દંડની રકમ વધારવામાં આવી છે.
કેટલીક જાણીતી કલમો: હત્યાનો અપરાધ IPC 302 હેઠળ હતો તે હવે BNS ની કલમ 101 હેઠળ આવ્યો છે. હત્યા પ્રયાસની કલમ IPC 307 હતી તે હવે BNS 109 તરીકે ઓળખાશે. દુષ્કર્મના ગુનાઓ માટે IPC 376 હતી તે હવે BNS 63 તરીકે ઓળખાશે. સામૂહિક બળાત્કારના કેસમાં BNS 70 નો ઉપયોગ થશે. છેતરપિંડીઓ અને વિશ્વાસઘાતમાં IPC 420 હતી તેના સ્થાને હવે BNS 316નો ઉપયોગ થશે.
આ જ રીતે CrPC માં થયેલાં ફેરફાર આ પ્રમાણે છે. તેનું નામ હવે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા થયું છે. તેમાં 484 કલમો હતી અને હવે તેમાં 531 કલમો રાખવામાં આવી છે. નવા કાયદામાં 177 જોગવાઈઓમાં ફેરફાર કરવામાં આવ્યા છે. નવી 39 પેટાકલમો જોડવામાં આવી છે. 35 કલમોમાં સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. અગાઉ જે પુરાવાનો કાયદો હતો તે હવે ભારતીય સાક્ષ્ય અધિનિયમ તરીકે ઓળખાશે. તેમાં અગાઉ 167 જોગવાઈઓ હતી, તે હવે 170 કલમો બનાવવામાં આવી. નવા કાયદામાં 24 જોગવાઈઓ બદલવામાં આવી છે.(symbolic image source:google)