Mysamachar.in-જામનગર:
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં સરકારે ઈમ્પેક્ટ ફી નો લાભ લેવા ઈચ્છતા લોકો માટે આ યોજનાની મુદ્દતમાં વધુ એક વખત વધારો કરી આપ્યો છે. જો કે, જામનગરમાં અત્યાર સુધીની વાત કરીએ તો માત્ર 39 ટકા બાંધકામધારકો જ હાલની આ યોજનાનો લાભ મેળવી શક્યા છે. રિજેક્શનનું પ્રમાણ નોંધપાત્ર રહ્યું છે. જામનગર મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ દર્શાવે છે કે, 01-10-2022 થી 23-05-2025 સુધીમાં જામનગરના કુલ 10,640 બાંધકામોના ધારકોએ પોતાના નિયમ વિરુદ્ધના બાંધકામો ‘નિયમિત’ કરાવવા માટે મહાનગરપાલિકામાં અરજીઓ આપી છે. આ અરજીઓ પૈકી 10,114 અરજીઓ ઓનલાઈન થઈ છે અને બાકીની 526 અરજીઓ મહાનગરપાલિકામાં ઓફલાઈન આપવામાં આવી છે.

આ અરજીઓ પૈકી 4,185 અરજીઓ માન્ય રાખવામાં આવી છે અને નિયમ અનુસાર ફી વસૂલી ગેરકાયદેસર બાંધકામો નિયમિત કરી આપવામાં આવ્યા છે. આ ઉપરાંત 4,499 અરજીઓ રિજેક્ટ કરવામાં આવી છે અને 23/05ની સ્થિતિએ જામનગર મહાનગરપાલિકામાં આ પ્રકારની હજુ 1,956 અરજીઓ પેન્ડિંગ છે. જે બાંધકામધારકો આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા હોય તેઓ હજુ 16/06 ની સાંજ સુધીમાં મહાનગરપાલિકામાં ઓફલાઈન અથવા ઓનલાઈન અરજી કરી શકશે.
