Mysamachar.in-અમદાવાદ:
એક તરફ ચૂંટણીઓ ચાલી રહી છે અને હવામાં અમૃતકાળ શબ્દ ઉછળી રહ્યો છે અને બીજી તરફ ગુજરાત સહિત દેશભરમાં લાખો નાગરિકોએ પાછલાં વરસોમાં કરેલાં આપઘાતના ડરામણાં આંકડાઓ જાહેર થયા છે. બેરોજગારો અને ગૃહિણીઓ સહિતના નાગરિકો પોતાની જિંદગીઓ ટૂંકાવી કેવી રીતે મોતના મુખમાં ધસી ગયા તેના સતાવાર આંકડાઓ કોંગ્રેસ પક્ષ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે, આ આંકડાઓ બિહામણાં અને બહુ મોટાં છે.
‘ અચ્છે દિન’ , ‘ ખેડૂતોની આવક બમણી ‘ અને ‘ દર વર્ષે બે કરોડ રોજગાર ‘ તથા ‘ મોંઘવારીથી મુક્તિ ‘ સહિતના વાયદાઓ વચ્ચે હકીકતો કંઈક અલગ છે, દેશના પરિવારો ભાજપની નીતિનો ભોગ બની રહ્યા છે એમ કહી કોંગ્રેસ દ્વારા કહેવાયું છે કે, ગુજરાતમાં બેરોજગાર યુવાઓ, મહિલાઓ, ખેડૂતો અને નાના વેપારીઓની આત્મહત્યાના બનાવો વધી રહ્યા છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર મનિષ દોશી કહે છે: દેશમાં રોજમદાર, શ્રમિકો, વિદ્યાર્થીઓ, વેપારીઓ અને સેવા નિવૃત લોકો સહિત સહપરિવાર જે આત્મહત્યાઓ થઈ રહી છે તે ચિંતાજનક છે.
વર્ષ 2017 થી વર્ષ 2022 છ વર્ષ દરમિયાન આત્મહત્યાના આંકડાઓ સતત વધી રહ્યા. દેશમાં છેલ્લા 6 વર્ષમાં 9,92,535 લોકોએ આપઘાત કર્યા. દેશમાં દરરોજ સરેરાશ 407 લોકો પોતાની જિંદગીઓ ટૂંકાવી નાંખે છે. ભારતમાં આપઘાત કરી લેનાર દર ચોથી વ્યક્તિ રોજમદાર હોય છે. દર 2 કલાકે 3 બેરોજગાર અને દર 25 મિનિટે 1 ગૃહિણી આપઘાત કરી રહી છે. આર્થિક સંકટ, બેરોજગારી, ગંભીર શારીરિક સમસ્યાઓ, પારિવારીક પ્રશ્નો વગેરેને કારણે આત્મહત્યાઓ વધી રહી છે. લોકો સુખી નથી.
ગુજરાતમાં પાછલાં 3 વર્ષ દરમિયાન 495 વિદ્યાર્થીઓ સહિત 25,478 વ્યક્તિઓએ આત્મહત્યાઓ કરી લીધી. રાજ્યમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાઓના બનાવોમાં 21 ટકાનો તોતિંગ વધારો થયો. કોંગ્રેસનો આક્ષેપ છે કે, ભાજપની સરકાર જરૂરિયાતમંદ લોકોને રોજગાર, આર્થિક સહાય, માનસિક સ્વાસ્થ્ય આપવામાં નિષ્ફળ નીવડી છે. વર્ષ 2022 માં 1,64,033 લોકોએ આપઘાત કરી લીધાં તેમાં 12,055 વેપારીઓ, 8,176 સ્વરોજગાર કરનાર એમ કુલ 20,231 લોકોએ આત્મહત્યાઓ કરી.