Mysamachar.in-ગાંધીનગર:
ઘણાં બધાં લોકો એમ પણ માની રહ્યા છે કે, રાજ્યમાં નવા જંત્રીદરના અમલમાં સરકારમાં કોકડું ગૂંચવાયું છે. હકીકત એમ નથી. સચિવાલય સૂત્ર કહે છે, આ મહિનાના અંતમાં જ નવા જંત્રીદર લાગુ કરવાની દિશામાં સરકાર ઝડપભેર આગળ વધી રહી છે. કોકડું કયાંય ગૂંચવાયેલું નથી.
સૌ જાણે છે કે, પાછલાં 14 વર્ષથી જંત્રીદર અપડેટેડ થયા નથી. જંત્રીદરની છેલ્લી જાહેરાત 2011માં થયેલી. આ કારણથી ખુદ સરકાર પર પણ નવા જંત્રીદર જાહેર કરવા બાબતે દબાણ છે. અને, આ કામ પાર પાડવા સરકારે નજીકના ભૂતકાળમાં ઘણી કસરતો કરેલી છે જ.
તમામ મહાનગરો સહિતની કલેક્ટર કચેરીઓને સમગ્ર રાજ્યમાં આ માટે ટાસ્ક સોંપવામાં આવેલું. સંબંધિત સ્ટેક હોલ્ડર સહિત રાજ્યના બધાં જ નાગરિકો પાસેથી આ માટે વાંધાસૂચન મંગાવવામાં આવ્યા હતાં. જેમાં હજારો ફરિયાદો અને વાંધા સરકાર સુધી પહોંચી ગયેલા છે. જે અનુસંધાને જરૂરી આનુષાંગિક નિર્ણયો પણ લેવાયા, ફેરફારો પણ થયા છે. જો કે હજુ એમ પણ કહેવાય છે કે, અમુક શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં ઘણી માથાઝીંક છે. જે ભવિષ્યમાં બહાર આવી શકે છે.
દરમિયાન, સચિવાલય સૂત્ર કહે છે કે રાજ્ય સરકારે આ માટે દરેક કલેક્ટર પાસેથી રિપોર્ટ મંગાવેલા તે વખતે દાહોદ અને કચ્છ સહિતના 3 જિલ્લાઓના રિપોર્ટ મોડા સબમિટ થયા. આ રિપોર્ટ સમયસર આવી ગયા હોત તો, આ કામ વહેલું પતી ગયું હોત. તો પણ સરકાર આ મહિનાના અંત સુધીમાં તો આ કામ પૂર્ણ કરવા ચાહે જ છે.
અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, સમગ્ર રાજ્યમાં સ્થાનિક કક્ષાએ જંત્રીદર મુજબના દસ્તાવેજોનું કામ સરકારના ‘ગરવી’ સોફ્ટવેર મારફતે થાય છે. આ સોફ્ટવેર પણ આશરે 15 વર્ષ અગાઉનો છે. તેથી તેમાં અપડેશન ફરજિયાત હતું. કારણ કે તો જ નવા જંત્રીદર અનુસાર દસ્તાવેજો વગેરેની કામગીરીઓ થઈ શકે. આથી સરકારે પાંચ દિવસ આ સોફ્ટવેર બંધ રાખી અપગ્રેડેશનની કામગીરીઓ હાલ હાથ ધરી છે. અને મંગળવારથી આ અપડેટેડ સોફ્ટવેર કામ કરતો થઈ જશે. દસ્તાવેજ નોંધણી સહિતની કામગીરીઓ થઈ શકશે. ત્યારબાદ ગમે તે ઘડીએ સરકાર નવા જંત્રીદર જાહેર કરી દેશે, એમ સચિવાલય વર્તુળો જણાવે છે. વધુમાં હાલના જંત્રીદર રાજ્યના ઘણાં બધાં વિસ્તારોમાં તાર્કિક નથી. મિલકતોના બજારભાવ પાછલાં 14 વર્ષમાં આસમાન આંબી ચૂક્યા છે, જેની સામે દસ્તાવેજ નાની રકમના થઈ રહ્યા હોય, સરકાર કરોડો રૂપિયાની આવક પણ વર્ષોથી ગુમાવી રહી છે. ટૂંકસાર એટલો જ કે, કેટલાંક સમયથી આ આખો વિષય રાજ્યમાં બધી જ રીતે સંવેદનશીલ બની ગયો હોય, સરકાર ખુદ ઈચ્છે છે કે, હવે વધુ વિલંબ યોગ્ય નહીં લેખાય.