Mysamachar.in-
શિક્ષણ બિઝનેસ બની ગયું છે અને વાલીઓ પાસેથી સફેદ લૂંટ ચલાવવામાં આવી રહી છે- આ પ્રકારની માન્યતા લોકોમાં, ખાસ કરીને વાલીઓમાં દ્રઢ બની ચૂકી છે. આ માન્યતા પાયાવિહોણી નથી, તેની વધુ એક સાબિતી સપાટી પર આવી છે, જેમાં સ્પષ્ટ રીતે સમજાઈ રહ્યું છે કે, રાજ્યના શિક્ષણ વિભાગમાં ચાલી રહેલી લાલિયાવાડીઓનો ગેરલાભ ખાનગી શાળાઓ લઈ રહી છે.
ગુજરાત હાઇકોર્ટે આ અગાઉ સ્પષ્ટ આદેશ આપેલો છે કે, ખાનગી શાળાઓ વાર્ષિક ધોરણે જે ટયૂશન ફી વસૂલે છે તે ફી નો જે માસિક આંકડો આવે, એટલે કે કુલ ટયૂશન ફીનો બારમો ભાગ જ શાળાઓ વાલીઓ પાસેથી એડમિશન ફી અને ટર્મ ફી તરીકે વસૂલી શકે. આ ઓર્ડર છતાં, સરકારે એટલે કે શિક્ષણ વિભાગે આજની તારીખે આ બાબતે કોઈ સ્પષ્ટતાઓ કરી નથી, પરિપત્ર પણ જાહેર કર્યો નથી. જેને કારણે ખાનગી શાળાઓ પોતાની રીતે વાલીઓ પાસેથી એડમિશન ફી અને ટર્મ ફી વસૂલી રહી છે અને વાલીઓને આ બાબતે અદાલતના આદેશની જાણ પણ નથી.
સરકારે કોઈ સ્પષ્ટતાઓ કે પરિપત્ર કર્યો ન હોય, શાળાઓ મનસ્વી રીતે એડમિશન ફી અને ટર્મ ફી વસૂલી રહી છે. વાલીઓ અંધારામાં છે, આથી ફરિયાદો ઉઠી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં સાત વર્ષથી ફી રેગ્યુલેશન કમિટીની રચના થયેલી છે જ અને વડી અદાલતનો આ બાબતે આદેશ પણ છે છતાં આ આદેશનો અમલ સરકારના પરિપત્રના અભાવે થઈ શકતો નથી. શિક્ષણ વિભાગની આ લાલિયાવાડી અંગે વાલીઓમાં નારાજગી છે.(FILE IMAGE)