Mysamachar.in-અમદાવાદ:
ગુજરાત હાઉસિંગ બોર્ડ બધાં જ અર્થમાં ‘સરકારી’ સાહસ છે. મકાનોનાં નામે દીવાલોના સાંકડા ખોખાં બનાવતું આ બોર્ડ મકાન, દુકાનધારકો પાસેથી હપ્તા વસૂલવામાં પણ આળસ કરે છે ! આ બોર્ડ વિવિધ પ્રકારના પોતાનાં નિર્ણયો અને સરકારનાં નિયમો પણ લાંબા સમય સુધી ફાઈલોમાં દબાવી રાખી, મૌખિક સમજૂતીઓના આધારે ‘વહીવટ’ ચલાવ્યે રાખવા મુદ્દે પણ જાણીતું છે.
એક ઉદાહરણ સામે આવ્યું છે. ત્રણ વર્ષ પહેલાં આ બોર્ડે નિર્ણય લીધો હતો કે, હાઉસિંગ બોર્ડના જે મિલ્કતધારકોએ ગેરકાયદે બાંધકામો કરી લીધાં હોય, તેઓ પાસેથી વસૂલવામાં આવતો દંડ દસ ગણો કરવો. દંડ વધાર્યો પણ ખરો. પરંતુ આ કાગળ ફાઈલોમાં રાખી દીધો ! જે હવે ચાર વર્ષે વહેતો કર્યો છે.
2019 માં હાઉસિંગ બોર્ડ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો કે, હાઉસિંગ બોર્ડના મિલકતધારકોએ ગેરકાયદે બાંધકામો કર્યા હોય, તે બાંધકામો નિયમિત કરી આપવા નહીં. અને, જંત્રી આધારિત દંડ વસૂલવો. આ નિર્ણય હવે બહાર આવ્યો. આ નિર્ણયની અસરો એ છે કે, જો તમે હાઉસિંગ બોર્ડના મકાન કે દુકાનમાં ધારો કે, દસ સ્ક્વેર મીટરમાં ગેરકાયદે બાંધકામ કર્યું છે. અગાઉનાં નિયમ મુજબ આટલાં ગેરકાયદે બાંધકામ માટે રૂ. 19,000 દંડ વસૂલવામાં આવતો. નવા નિર્ણય મુજબ, આ દંડ દસ ગણો વધારવામાં આવતાં આ કેસમાં રૂ. 1,90,000 ભરવા પડે !
મજાની વાત એ છે કે, બાંધકામધારકો પાસેથી કાયદેસરના હપ્તા વસૂલવામાં પણ આ તંત્ર આળસ અથવા વિલંબ કરે છે. આ તંત્ર દસ ગણો દંડ વસૂલવા કયારે નીકળશે ?! ત્રણ વર્ષ પહેલાંનાં આ નિયમમાં એવું પણ જાહેર થયું છે કે, આટલો દંડ વસૂલ કર્યા પછી પણ, આ ગેરકાયદે બાંધકામો નિયમિત કરી આપવામાં આવશે નહીં ! તો શું આવા બાંધકામો કોર્પોરેશન તોડી પાડશે ?! તો હાઉસિંગ બોર્ડ દંડ શેના માટે વસૂલે છે ?! અને જો ગેરકાયદેસર બાંધકામ તોડી પડવાની શક્યતા ધરાવતું હોય તો પછી, આવાં બાંધકામ ધારકો દંડ શા માટે ભરે ?! વગેરે પ્રશ્નો જાણકારોમાં ચર્ચાઈ રહ્યા છે. ચૂંટણીઓ પતી ગઈ હોય, આવી બબાલો વિવિધ વિભાગોમાં શરૂ થઈ છે !
-ઈમ્પેકટ ફી બાબતે ગાંધીનગરથી કોઈ આદેશ આવ્યો નથી
ગુજરાત હાઉસિંગ બોર્ડના રાજકોટ સ્થિત ઉચ્ચ અધિકારી કહે છે, ઈમ્પેકટ ફી કાયદો હાઉસિંગ બોર્ડના બાંધકામોને લાગુ પડશે કે કેમ ? લાગુ પડશે તો, કેવી રીતે લાગુ કરવામાં આવશે ? વગેરે વિગતો હજુ સુધી ગાંધીનગરથી રાજકોટ કચેરી સુધી પહોંચી નથી. અહીં પ્રશ્ન એ પણ થાય કે, ડિજિટલ યુગમાં પણ આટલો વિલંબ !