Mysamachar.in-ગાંધીનગર:
ગેરકાયદે બાંધકામોનો કબજો અથવા માલિકી ધરાવતાં આસામીઓ માટે હરખનાં સમાચાર એ છે કે, ફરી એક વખત ઈમ્પેકટ ફી યોજના આવી રહી છે ! જે અંતર્ગત જામનગર સહિત રાજ્યભરમાં હજારો ગેરકાયદે બાંધકામોનો ઉધ્ધાર થશે, તેઓ કાળાં કામનાં નાણાં કોર્પોરેશનમાં ચૂકવી પોતાનાં આવા બાંધકામોને ‘કાયદેસર’ નું ટેગ અપાવી શકશે. ચૂંટણી પહેલાં આવું કાંઈક આવશે જ, એવી ધારણા ઘણાં જાણકારો રાખી રહ્યા હતાં. જાણકારોની ધારણા સાચી પડવાની દિશામાં આગળ વધી રહી છે. રાજય સરકારે ઈમ્પેકટ ફી યોજના માટે ત્રીજી વખત તૈયારી કરી લીધી છે.
જામનગર સહિતના મહાનગરોમાં તથા પાલિકા વિસ્તારોમાં પણ આ યોજના લાગુ પડવા જઈ રહી છે. સરકારે આ યોજના માટે ડ્રાફ્ટ (મુસદ્દો) તૈયાર કરી લીધો છે. શહેરી વિકાસ મંત્રાલય દ્વારા આ ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. સરકાર આ માટે વટહુકમ લાવશે. આ વટહુકમ એવાં બાંધકામોને ‘ નિયમિત ‘ કરી આપશે, જે બાંધકામો BU પરમિશન (વપરાશ પરવાનગી) ધરાવતાં નથી. આ માટે સંબંધિત આસામીઓએ કોર્પોરેશન અથવા પાલિકાઓમાં જરૂરી ઈમ્પેકટ ફી ભરવાની રહેશે. પછી, આનંદ.
પાછલાં બાવીસ વર્ષ દરમિયાન આ પ્રકારના બાંધકામો નિયમિત કરી આપવા માટે સરકાર દ્વારા આ ત્રીજી વખત પ્રયાસ થઇ રહ્યો છે. શહેરી વિકાસ વિભાગનાં એક ઉચ્ચ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું છે કે, સરકારે આ ડ્રાફ્ટને મંજૂરી આપી દીધી છે. અને, આગામી એકાદ બે દિવસમાં આ વટહુકમ બહાર પડી શકે છે. 2011ના GRUDA એક્ટની કેટલીક જોગવાઈઓ આ નવાં ડ્રાફ્ટમાં પણ દાખલ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
31 ડિસેમ્બર, 2020સુધીના ગેરકાયદે બાંધકામોનો આમાં સમાવેશ કરવો કે, 31જૂલાઈ, 2022સુધીના આવા બાંધકામોને લાભ આપવો ?! એ અંગેનો નિર્ણય 24/48 કલાકમાં લેવાય તેવી શક્યતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાં હોસ્પિટલો સહિતની અસંખ્ય ઈમારતો એવી છે જે વપરાશ પરવાનગી ધરાવતી નથી. આવી ઇમારતોના ધંધાદારી ઉપયોગ થઈ રહ્યા છે. આવી ઈમારતોમાં આગ લાગે છે ત્યારે, અદાલતી કાર્યવાહીમાં અનેક પરેશાનીઓ ઉભી થાય છે. અમદાવાદની એક આવી હોસ્પિટલમાં ભૂતકાળમાં આગ લાગી હતી. દર્દીઓનાં મોત પણ થયાં હતાં. આ મામલો હાઈકોર્ટમાં ગયો ત્યારે, હાઈકોર્ટે સરકારને આ મુદ્દે ઘણાં નિર્દેશો આપ્યા હતા. ત્યારબાદ આ ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે.
આગના આ પ્રકરણ પછી, સરકારે રાજ્યભરમાં અંદાજે આઠ હજારથી વધુ એવી ઈમારતોનો સર્વે કર્યો હતો જે ઈમારતો વપરાશ પરવાનગી ધરાવતી નથી ! નવાઈની વાત એ પણ છે કે, રાજ્યમાં કુલ હોસ્પિટલ પૈકી લગભગ અડધી એટલે કે, 48 ટકા હોસ્પિટલો એવી છે જે વપરાશ પરવાનગી ન ધરાવતી ઈમારતોમાં ધમધમે છે ! આ વિગતો શહેરી વિકાસ વિભાગ જાણે છે.