Mysamachar.in-ગીરસોમનાથ, મોરબી
આજના આધુનિક યુગમાં દરેક ઘરમાં સ્માર્ટ ફોન છે, નાના બાળકોથી માંડી અને મોટા સૌ પોતાની જરૂરિયાત મુજબ આ સ્માર્ટફોનના ઉપયોગ કરે છે, પણ છેલ્લા કેટલાક સમયથી બાળકોમાં જાણે ઓનલાઈન ગેમનું એવું ઘેલું લાગ્યું છે, તેના કારણે કેટલીક વખત અનિચ્છનીય ઘટનાઓ પણ સામે આવતી હોય છે, રાજ્યમાં બે એવી ઘટનાઓ સામે આવી છે જે એ વાલીઓ માટે આંખ ઉઘાડનારી છે જેના બાળકો મોબાઈલમગ્ન બનીને કલાકો સુધી મોબાઈલમાં ગેમ રમી રહ્યા છે,
એક કિસ્સો ગીરસોમનાથ જીલ્લામાંથી જયારે અન્ય એક કિસ્સો મોરબી જીલ્લામાંથી સામે આવ્યો છે, સૌ પ્રથમ ગીર સોમનાથ જીલ્લાની વાત કરીએ તો ઉનામાં એક 16 વર્ષીય તરુણએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી છે. ગીર સોમનાથના ઉનામાં ઓનલાઈન ગેમમાં ટાસ્ક પુરો ન થતાં 16 વર્ષીય તરૂણે ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી લેતા પરિવારજનો શોકમાં ગરકાવ થઇ ગયા છે,
જયારે બીજા કિસ્સાની વાત કરીએ તો મોરબીના માળીયા વનાળિયામાં આવેલા લાયન્સ નગરમાં રહેતા એક પરિવારનો પુત્ર મનીષ જેની ઉમર માત્ર 18 વર્ષની છે તે સતત મોબાઈલમાં પબજી ગેમ રમ્યા કરતો હોય માતાપિતાએ કંટાળી જઈ ઠપકો આપવાની સાથે મોબાઈલ તોડી નાખતા ગત તા.25 જુલાઈના રોજ મનિષ બપોરના સમયે ઘર છોડી ચાલ્યો ગયો હતો. જે બાબતે તેના પિતાએ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પુત્રની ગુમસુધા ફરિયાદ નોંધાવી હતી. જે બાદ ગઈકાલે મનીષ પોતાની જાતે જ ઘરે પરત આવી જતા યુવાનનાં માતા-પિતાએ રાહતનો શ્વાસ લીધો હતો.






