Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાતની વિધાનસભામાં જમીન મહેસૂલ સુધારા વિધેયક-2025 રજૂ થયું.આ સુધારા વિધેયક રજૂ કરતી વખતે મંત્રી બળવંતસિંહ રાજપૂતે જાહેરાત કરી કે, રાજ્યના શહેરોની આસપાસના વિસ્તારોમાં વસતા નાગરિકો સરકારના જુદા જુદા કાયદાઓ હેઠળ શરતભંગ થતો હોવાથી ચોક્કસ રકમનો અવેજ ચૂકવી મકાનો અને સોસાયટીઝમાં વસવાટ કરી રહ્યા છે. આવા બાંધકામોને નિયમિત કરવા, કાયદેસરતા આપવાના ઉમદા હેતુ સાથે આ સુધારાઓ કરવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગર સહિતના શહેરોમાં આવા બાંધકામોને 10ના સ્ટેમ્પવાળા બાંધકામ તરીકે ઓળખવામાં આવે છે. ઘણાં લોકો તેને ‘સૂચિત’ સોસાયટીઝ તરીકે ઓળખે છે. આ પ્રકારના બાંધકામધારકોને અત્યાર સુધી આ બાંધકામ સામે બેંક લોન મળતી નથી. આ બાંધકામ ધારકોને પ્રોપર્ટીકાર્ડ સરકાર તરફથી આપવામાં આવતાં નથી. હવે, આ સુધારા વિધેયકના કારણે 2005 પહેલાંના આવા બાંધકામ ‘નિયમિત’ કરાવી શકાશે. આ બાંધકામધારકોને પ્રોપર્ટીકાર્ડ પણ આપવામાં આવશે. પછી આ ધારકો બેંક લોન પણ મેળવી શકશે.
આ સુધારાને કારણે હવે આવી મિલકતોનો જમીન મહેસૂલ રેકર્ડ પર ઉલ્લેખ થશે. અને, આ પ્રકારના રહેણાંક ધરાવતા તમામ બાંધકામને આ સુધારાઓ લાગુ થશે. જો કે એમાં સરકારે એ પણ સ્પષ્ટતાઓ કરી છે કે, જેમણે સરકારી જમીન પચાવી હશે, સરકારી ખરાબાની જમીન હશે કે સ્થાનિક સતામંડળ હસ્તકની જમીન હશે અને તેના પર મકાનો બનાવીને વસવાટ કરતાં હશે તેવા લોકોને આ સુધારાઓનો લાભ મળવાપાત્ર નથી. સરકારની ઉદારતાનો ગેરલાભ લેવાનો કોઈ પણ પ્રયત્ન ચલાવી લેવામાં આવશે નહીં.