Mysamachar.in-જામનગર:
આજે એક મહિલાના કારણે આખો પરિવાર મેડિકલક્ષેત્રે પ્રભુત્વ ધરાવે છે અને જેના કારણે સમાજને આરોગ્યલક્ષી સેવાનો ઉત્તમ લાભ મળી રહ્યો છે.એક મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતી દિકરી સરકારી શાળામાં અભ્યાસ પૂર્ણ કરીને લોકોની સેવા કરવા માટે ડોક્ટર બનવાનું સપનું લઈને જામનગર મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવી MBBS બાદમાં MD Pathology ની મેડિકલ ડિગ્રી મેળવી જામનગર જી.જી હોસ્પિટલને જ પોતાની કર્મભૂમિ બનાવનાર આ મહિલા છે ડોક્ટર નંદિનીબેન દેસાઈ.
આજે વિશ્વ મહિલા દિવસ છે ત્યારે સ્ત્રી પુરુષ સમોવડી બનીને દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે,ત્યારે જામનગર જી.જી.હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ અને એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડીન તરીકે બેવડી જવાબદારી સંભાળતા ડો. નંદિનીબેન દેસાઈ વિશે દરેક મહિલાઓએ જાણવાની ખાસ જરૂર છે જેમાંથી દરેક મહિલાઓને પ્રેરણા મળી શકે છે,
કચ્છ ભુજના વતની ભરતભાઇ છાયા અને હેમાબેન બંને પતિ-પત્ની શિક્ષક હોય અને સંતાનમાં બે પુત્રીઓ પણ સારું શિક્ષણ મળે તે સ્વાભાવિક છે. છાયા દંપતીના પુત્રી નંદિનીબેન દેસાઈ ધો. ૧ થી ૮ પિતા જ્યાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા તે સરકારી શાળામા અભ્યાસ કરીને ધોરણ-૯ થી ૧૨ માંડવીની ખીમજી રામદાસ કન્યા વિદ્યાલયમાં અભ્યાસ પૂર્ણ કરીને જામનગર એમ.પી.શાહ મેડીકલ કોલેજમાં ૧૯૮૩ પ્રવેશ મેળવ્યો હતો અને જી.જી.હોસ્પિટલમાં જ ડોક્ટરની પદવી મેળવી આજે સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી જી.જી.હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ અને મેડિકલ કોલેજના ડીન તરીકે છેલ્લા છ વર્ષથી મોટી જવાબદારી ડોક્ટર નંદિની દેસાઈ કોઈ પણ જાતના વાદવિવાદ વગર નિભાવી રહ્યા છે,
એક મહિલા શિક્ષણ મેળવે તો સમાજમાં કેવું પરિણામ આવે તેનુ પ્રેરણાદાયક ઉદાહરણ ડોક્ટર નંદિનીબેન દેસાઈએ પુરુ પાડ્યું છે કેમકે માતા-પિતાના સંસ્કારોમાંથી તેઓ ડોક્ટર બન્યા બાદ તેમની બંને પુત્રીઓને પણ મેડિકલ ક્ષેત્રે અભ્યાસ કરાવીને ડોક્ટર બનાવી છે, આમ એક મહિલાના કારણે આજે આખો પરિવાર ડોક્ટર બનીને સમાજને આરોગ્યની સેવા આપી રહ્યા છે.
અંતે ડીન ડો. નંદિનીબેન દેસાઈ દરેક મહિલાઓને સંદેશો આપતા જણાવ્યું હતું કે શિક્ષણ ઉપરાંત પરિશ્રમ નો કોઈ વિકલ્પ નથી અને જીવનમાં હકારાત્મક અભિગમ રાખવાથી દરેક કામમાં આનંદ મળે છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.