Mysamachar.in:અમદાવાદ
GST નંબરધારકો માટે એક મોટી રાહત સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. 2023 નાં 7 નંબરનાં નોટિફિકેશનમાં કહેવાયું છે કે, જે વેપારીઓ વાર્ષિક રિટર્ન ફાઇલ કરી શક્યા નથી તેઓ 30 જૂન સુધીમાં રિટર્ન ફાઈલ કરી શકશે. આ મુદ્દે પાછલાં કેટલાંક સમયમાં વેપારીઓ તથા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સંગઠનો દ્વારા સરકાર સમક્ષ એક કરતાં વધુ વખત રજૂઆતો કરવામાં આવી હતી. ત્યારબાદ સરકારે આ નિર્ણય જાહેર કર્યો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ એકસાઈઝ અને કસ્ટમ વિભાગે જાહેર કર્યું છે કે, જે વેપારીઓ વાર્ષિક રિટર્ન ફાઇલ કરી શક્યા નથી તેઓ માટે મહત્તમ પેનલ્ટીની રકમ રૂ.20,000 નક્કી કરવામાં આવી છે. પરંતુ 30 જૂન સુધીમાં જેઓ આ રિટર્ન ફાઇલ કરશે તેઓ જ આ રાહતનો લાભ મેળવી શકશે.
અગાઉ GST કાયદા હેઠળ વાર્ષિક રિટર્ન વિલંબથી દાખલ કરનાર માટે પેનલ્ટીની રકમ દૈનિક રૂ.200 જાહેર કરવામાં આવી હતી. જે વેપારીઓએ વર્ષ 2017/18 થી માંડીને વર્ષ 2022/23 નાં વાર્ષિક રિટર્ન ફાઇલ નથી કર્યા તેઓ પણ આ રાહતનો લાભ મેળવી શકશે. અને કમ્પોઝિટ સ્કીમમાં સામેલ વેપારીઓ પેનલ્ટીની રકમ રૂ.500 સુધીની ભરી આ રાહતનો લાભ મેળવી શકશે.