Mysamachar.in-જામનગર
કોરોના કાળમાં લોકોના આરોગ્ય પર મોટી માઠી અસરો કેટલાય કિસ્સાઓમાં જોવા મળી છે. અયોગ્ય આહાર, વિહાર અને કસરત માટેની આળસ લોકોના શરીર પર અસર વર્તાવા લાગી છે. ત્યારે એક્સરસાઈઝમાં સાઇકલિંગનો વિકલ્પ વોકિંગ પછી બેસ્ટ માનવામાં આવે છે, કારણ કે સાઇકલ ચલાવવાથી ફક્ત શારીરિક રીતે નહીં પણ માનસિક રીતે ફિટ રહી શકાય છે. જો તમે સાઇકલ નથી ચલાવતા કે સાઇકલ ચલાવવાની આદત મૂકાય ગઈ છે તો હવેથી સાઇકલ ચલાવવી નિયમિત શરૂ કરવી જોઈએ.
એવું લાગતું હોય કે લાંબા સમય પછી સાઇકલ ચલાવવું કેટલું યોગ્ય અને સુરક્ષિત કહેવાય તો ખરેખર સાઇકલિંગ ખૂબ ફાયદાકારક છે. તેવું કેટલાય કિસ્સાઓમાં ફલિત થઇ ચુક્યું છે, સાઇકલ ચલાવવામાં જેટલી મજા આવશે સાયકલ એટલી તે શરીર અને મનને ફિટ રાખશે. જયારે નાના હોઈએ ત્યારે શોખ માટે સાઇકલ શીખી હશે અને મિત્રો સાથે ચલાવી હશે. પરંતુ આજના વ્યસ્ત જીવનમાં પોતાના માટે પણ સમય કાઢવો મુશ્કેલ થઇ ગયું છે. એવામાં સાઈકલિંગ એક શ્રેષ્ઠ વિકલ્પ બને છે કારણ કે સાઈકલિંગ શારીરિક રીતે જ નહિ માનસિક રીતે પણ સ્વસ્થ રાખે છે. જે લોકોને ભુલવાની એટલે કે અલ્ઝાઇમરની બીમારી હોય તે સાઇકલ ચલાવવાથી સારી થઇ શકે છે.
સાઇકલિંગ વખતે ધ્યાન રાખવા જેવી બાબતો..
– સાઇકલ ચલાવવા માટે તમને વધારે સામાનની જરૂર નથી. હેલ્મેટ પણ બહુ જરૂર વિના ન પહેરવું જોઈએ.
– જો લાંબા સમય પછી સાઇકલ ચલાવવાની શરૂઆત કરી હોય અને ભલે સ્ટેમિના અને એનર્જી હોય તો પણ સાઇકલ ધીમે ધીમે ચલાવવી શરૂ કરવી.
– સાઇકલ ચલાવતી વખતે બહુ ઢીલા કે બહુ ટાઈટ કપડાં ન પહેરવા જોઈએ.
– સાઇકલ ચલાવ્યા બાદ તુરંત જ કંઈ ખાવું કે પીવું ન જોઈએ.
– શરીરથી અતિશય ઊંચી કે બહુ નીચી હોય તેવી સાઇકલ ચલાવવીએ લાંબાગાળે નુકશાનકારક બને છે.
– દસથી વધુ કિ.મી. સાઇકલ ચલાવવાની હોય તો શરીરને જરૂરીયાત અનુસાર વચ્ચે આરામ આપવો જોઈએ. તેમજ વચ્ચે આરામ માટે ઊભા રહેતાં આગળ પાછળ દસેક મિનિટના અંતરે જ કંઈ ખાવું જોઈએ.
– જમ્યા બાદ કે કંઈ ભરપેટ ખાધા બાદ આશરે અડધો કલાકના અંતરે જ સાઇકલ ચલાવવી જોઈએ.