Mysamachar.in-અમદાવાદઃ
નવા ટ્રાફિક નિયમોના પાલન માટે આપવામાં આવેલી છૂટછાટને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે, 31 ઓક્ટોબર બાદથી કડક હાથે ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે પોલીસ સ્ટાફ મક્કમતાથી તૈયાર છે. જો કે ટ્રાફિક નિયમ તોડવા બદલ તમને મેમો પધરાવવામાં આવે છે. રાજ્યમાં ઇ મેમો આપવાનું છેલ્લા ઘણા સમયથી ચાલુ છે, પરંતુ લોકો તેને ગંભીરતાથી નથી લઇ રહ્યાં, અમદાવાદમાં ટ્રાફિક ડીસીપીએ જણાવ્યું કે 2015થી અત્યારસુધીમાં લોકોએ 55 કરોડ જેટલી દંડની રકમ ભરી નથી. એટલું જ નહીં એવા પણ 1400 વાહનમાલિકો છે જેઓએ પાંથી વધુ મેમો મળ્યા હોવા છતા દંડની રકમ ભરી નથી, મેમો ન ભરનારા વાહનમાલિકો સામે હવે ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી છે. જેમાં એક ખાસ રીકવરી ટીમ બનાવી છે.
બુધવારે પોલીસે દંડની રકમ વસૂલવા માટે અલગ અલગ ટીમો બનાવી છે. આ ટીમ દ્વારા 2015થી ઓક્ટોબર 2019 સુધી વારંવાર ટ્રાફિકના નિયમો તોડનારા વાહનચાલકોની યાદી તૈયાર કરવામાં આવી છે. આ ટીમ દ્વારા એક નોટિસ તૈયાર કરવામાં આવી છે. આ નોટિસ પોસ્ટ કે કુરિયર નહીં પરંતુ પોલીસ સ્ટેશનની મારફતે જે તે વાહનચાલકના ઘરે મોકલવામાં આવશે. આ નોટિસમાં સ્પષ્ટ લખ્યું હશે કે જો 10 દિવસમાં દંડની રકમ ભરવામાં નહીં આવે તો તેમનું લાયસન્સ અને આરસી બૂક રદ કરવામાં આવશે. સામાન્ય રીતે પહેલા એવું કહેવામાં આવતું હતું કે જો ઇ મેમાની રકમ નહીં ભરો તો તમારું લાયસન્સ રદ કરવામાં આવશે, પરંતુ હવે વાહનચાલકની RC બૂક પણ રદ કરવામાં આવશે. જો એકવાર આરસી બૂક રદ થાય તો વાહનમાલિકોને મોટું નુકશાન થઇ શકે છે.