Mysamachar.in:દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જીલ્લામાં દ્વારકાધીશ જગતમંદિર આવેલ છે અને મંદિરમાં દરરોજ હજારો ભાવિકો દેશ વિદેશથી દર્શનાર્થે આવે છે ત્યારે મંદિરમાં આવતા ભાવિકોએ હવે ટૂંકા વસ્ત્રો સાથે મંદિરમાં પ્રવેશ નહિ કરે શકે તેવા અલગ અલગ ભાષાઓમાં બોર્ડ દ્વારકાધીશ દેવસ્થાન સમિતિ દ્વારા લગાવી દેવામાં આવ્યા છે. મંદિરમાં આવતા ભક્તોને ટૂંકા વસ્ત્રો સાથે પ્રવેશ પર પ્રતિબંધ મૂકાવામાં આવ્યો છે. આ સાથેનું એક બોર્ડ મંદિરની બહાર લગાવવામાં આવ્યું છે. આ નિર્ણય દેવસ્થાન સમિતિ દ્વારા લેવામાં આવ્યો છે.
આ અંગે જે વિગતો મળી રહી છે તે પ્રમાણે કરોડો લોકોની આસ્થાના પ્રતિકસમા દ્વારકાધીશ મંદિરમાં યાત્રીકો ભારતીય સંસ્કૃતિ અનુસારના વસ્ત્રો પહેરીને જ જગતમંદિરમાં પ્રવેશે. તેવો નિર્ણય દેવસ્થાન સમિતિ દ્વારા લેવામાં આવ્યો છે. જગતમંદિરે આવતાં કોઈપણ ભાવિકની લાગણીને ઠેસ ન પહોંચે તે માટે લેવાયેલા નિર્ણય અંગે જગતમંદિર પરિસરમાં ગુજરાતી-હિન્દી-અંગ્રેજી ભાષામાં બેનરો લગાવવામાં આવ્યા છે. તેમજ વિવિધ માધ્યમોથી પણ જગતમંદિરના દર્શનાર્થે આવતા ભાવિકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે. ભારતીય સંસ્કૃતિને શોભે તેવા વસ્ત્રો પહેરેલા હશે તેમને જ દ્વારકાધીશ મંદિરમાં પ્રવેશ મળશે. અન્ય ભાવિકોની લાગણીને ઠેસ ન પહોંચે તે માટે આ નિર્ણય લેવાયો છે. માટે યાત્રાધામ દ્વારકામાં આવતા યાત્રાળુઓને ભારતીય સંસ્કૃતિ અનુસાર વસ્ત્રો પહેરવા અંગે તંત્ર દ્વારા કડક સૂચના આપવામાં આવી છે.