Mysamachar.in-મહેસાણા
આજના સમયમાં કોઈને સ્માર્ટ ફોન વિના ચાલે તેમ નથી,… અને મોબાઇલ હવે આપણાં જીવનનું અભિન્ન અંગ બની ગયો હોય તેવું પણ દરેક હાથમાં સ્માર્ટફોન જોતા લાગે છે, ત્યારે આવા અલગ અલગ કંપનીઓના સ્માર્ટફોન કેટલીય વાર બ્લાસ્ટ થયાના દાખાલો મૌજુદ છે, ત્યાં જ આવી વધુ એક ઘટના મહેસાણા જીલ્લામાં સામે આવી જ્યાં એક કિશોરીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, આ મામલે મળતી માહિતી અનુસાર, છેટાસણા ગામમાં રહેતા છેટાસણાના દેસાઇ શંભુભાઇ પ્રભાતભાઇની દીકરી શ્રદ્ધા બુધવારે સવારે નવેક વાગે ઘરના ઉપરના માળે રૂમમાં મોબાઈલને ચાર્જિંગમાં ભરાવીને વાત કરી રહી હતી. તે સમયે અચાનક ધડાકાભેર મોબાઈલ ફાટ્યો હતો.
ધડાકાનો અવાજ સાંભળી મહોલ્લાના લોકો ભેગા થઇ ગયા હતા અને રૂમમાં તપાસ કરતાં શ્રદ્ધાનું ગંભીર ઇજાના કારણે અવસાન થયું હતું. જ્યારે ઘરમાં ભરેલ સૂકો ઘાસચારો સળગી ઉઠતાં લોકોએ પાણીનો મારો ચલાવી આગ ઓલવી હતી. જોકે, અકસ્માતે ઘટના બની હોઇ પરિવાર દ્વારા કોઇ કાર્યવાહી કરાઇ ન હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ પરિવાર દ્વારા ગામના તલાટીને કરવામાં આવી હતી. કિશોરી જે રૂમમાં વાત કરી રહી હતી આ ઘટના આંખ ઉઘાડનારી એટલે પણ છે કે ફોનમાં ચાર્જિંગ ન હોય તો લોકો મોબાઈલ ફોનને ચાર્જિંગમાં ભરાવીને પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાનું ચાલુ રાખતા હોય છે. ત્યારે ઘણી વખત આ પ્રકારે મોબાઈલ ફોનમાં ધડાકો થવાના બનાવો સામે આવતાં રહે છે. ઘણી વખત ખિસ્સામાં પણ મોબાઈલ ફોન ફાટવાની ઘટનાઓ બની ચૂકી છે. ત્યારે મોબાઈલ ફોનનો સાવચેતી પૂર્વક ઉપયોગ કરવો હિતાવહ રહેશે તેમ જાણકારોનું માનવું છે.