Mysamachar.in-વલસાડ
આજના સોશ્યલ મીડિયાના યુગમાં વિવિધ પ્લેટફોર્મનો દુરુપયોગ વધી રહ્યો છે, ત્યારે આવો જ વધુ એક કિસ્સો વલસાડમાં સામે આવ્યો છે, જેમાં એક યુવતીએ યુવતી હોવાનું જાણી ફ્રેન્ડ રીક્વેસ્ટ એક્સેપ્ટ કરતા તેને પરેશાનીમાં મુકાવવાનો વારો આવ્યો છે. વાત કાઈક એવી છે કે વલસાડની એક યુવતીને તેણીના ફેસબુક એકાઉન્ટ ઉપર માનસી મોદી નામની કોઇ વ્યક્તિએ જાન્યુઆરી 2021માં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી.માનસી નામે આવેલી રિક્વેસ્ટ કોઇ છોકરીની હોવાનું માની યુવતીએ એક્સેપ્ટ કરી હતી.
ત્યારબાદ 13 જાન્યુઆરી 2021ના રોજ સાંજે 4.45 વાગ્યે માનસી મોદી નામના ફેસબુક એકાઉન્ટ વાપરતી વ્યક્તિએ ફરિયાદી યુવતીના ફેસબુક એકાઉન્ટમાં મૂકેલા ફોટાને એડિટિંગ મોફ કરી યુવતીના પર્સનલ ફેસબુક એકાઉન્ટમાં મેસેન્જર દ્વારા અપલોડ કરી દીધાં હતા. ત્યારબાદ અરજદાર યુવતી પાસે તેણીના ફેસ સાથેના ઓપન ફોટાની માગણી કરી હતી. જો આવા ફોટા ન આપે તો ફરિયાદી યુવતીના એડિટિંગ મોફ ફોટાઓ ફેસબુકમાં અપલોડ કરી બદનામ કરી નાંખવાની ધમકી આપી હતી.જેને લઇ યુવતી ગભરાઇ ગઇ હતી.
આ મામલે તેણીએ વલસાડ રૂરલ પોલિસને ફરિયાદ અરજી કરી હતી. આ ઘટના સાયબર ક્રાઇમની હોવાના પગલે વલસાડ રૂરલ પોલિસે માનસી મોદી નામના ફેસબુક એકાઉન્ટ ધારકની ગુપ્ત રાહે સઘન તપાસ કરતા આરોપીનો ભાંડો ફુટી ગયો હતો. આ ખોટુ ફેસબુક એકાઉન્ટ બનાવનાર આરોપી કિર્તીકુમાર વાઘેલા, ધંધો કલરકામ,રહે. ગાંધીનગર હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. વલસાડ રૂરલ પોલિસની ટીમે સ્થળ પર પહોંચી ઝડપી લીધો હતો.