Mysamachar.in-જામનગર:
આગ સાથે ગુજરાતને ગાઢ નાતો છે, રાજ્યમાં ભયાનક આગના બનાવો, તેમાં થતી જાનહાનિની દર્દનાક દુર્ઘટનાઓ અવારનવાર બનતી રહે છે, રાજકોટનો ગેમઝોન અગ્નિકાંડ હોય કે પછી સુરતની કાપડબજારની અબજો રૂપિયાની આગ હોય, ખબરો આવતી જ રહે છે- આમ છતાં જવાબદારો આવી સંભવિત દુર્ઘટનાઓ અંગે ગંભીર હોતાં નથી, એવું દરેક દુ:ખદ ઘટના બાદ તપાસમાં બહાર આવે છે ! જામનગરની જીજી હોસ્પિટલમાં પણ આ મુદ્દો ‘રામભરોસે’ છે- એવું Mysamachar.in ની તપાસમાં જાણમાં આવ્યું છે.
જામનગરની જી.જી હોસ્પિટલ સહિત રાજ્યની તમામ સરકારી સિવિલ હોસ્પિટલોએ નિયત સમયે ઈલેક્ટ્રીક સેફટી ઓડિટ કરાવવાનું હોય છે અને એ માટેનું ઓડિટ સર્ટિફિકેટ મેળવવાનું હોય છે. લાખો દર્દીઓના જિવની સલામતી માટે તથા સરકારી મિલકતો અને કિંમતી સાધનોના રક્ષણ માટે આ અતિ સંવેદનશીલ અને આવશ્યક બાબત છે. પરંતુ કમનસીબે સત્તાવાળાઓ આ મુદ્દે જરૂરી સંવેદનશીલતા ધરાવતા નથી !

આ મુદ્દે Mysamachar.in દ્વારા આજે સવારે જી.જી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. દીપક તિવારીનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો. ઈલેક્ટ્રીક સેફટી ઓડિટ કરાવવાનું હોય છે કે કેમ, કોણ, કયારે આ ઓડિટ કરાવે- વગેરે બાબતો જાણે કે એમની જાણમાં જ નથી ! એવી કરૂણ અને ચિંતાજનક સ્થિતિ છે.
ડો. તિવારી કહે છે: ઉનાળા અગાઉ આ ઓડિટ થતું હોય છે.(કયો ઉનાળો નથી ખબર) પરંતુ Mysamachar.in દ્વારા આ બાબતે ઉલટતપાસ કરવામાં આવી તો, ડો. તિવારી કહે છે, ગત્ ઉનાળે કરાવેલું હશે. જો કે એ અમારે કરવાનું હોતું નથી. સરકારનો PIU પ્રોજેક્ટ ઈમ્પલિમેન્ટેશન વિભાગ આ બાબત સંભાળે છે.(ટૂંકમાં, આ ગંભીર બાબતે એમણે હાથ અને જવાબદારીઓ ખંખેરી નાંખી !)
વધુ ખૂબીની વાત એ છે કે, આ ગંભીર જવાબદારી PIU વિભાગનું કામ જ નથી. PIU વિભાગના વડા પરિમલભાઈ પટેલએ આ હકીકત કહી. આમ છતાં વધુ સ્પષ્ટતાઓ અને જાણકારીઓ પ્રાપ્ત કરવા Mysamachar.in એ, અધિકારી પરિમલભાઈ પટેલની વિનંતી ધ્યાનમાં રાખી, PIU વિભાગમાં ઈલેક્ટ્રીક પેટાવિભાગ સંભાળતા સંબંધિત સત્તાવાળા સંજયભાઈનો સંપર્ક કર્યો. એમના જણાવ્યા અનુસાર, રાજ્ય સરકારનો સ્પષ્ટ પરિપત્ર છે કે, સરકારી હોસ્પિટલોમાં ઈલેક્ટ્રીક સેફટી ઓડિટ તથા લિફ્ટ સેફટી ઓડિટ કરાવવાની જવાબદારીઓ હોસ્પિટલની છે. (અફસોસની વાત એ છે કે, હોસ્પિટલ સત્તાવાળાઓ આ પરિપત્ર અંગે પણ બેખબર- આ સ્થિતિઓમાં જીજી હોસ્પિટલનું આ ઓડિટ નિયત સમયે કાળજી લઈ કરાવવામાં આવતું હશે કે કેમ, એ પણ ગંભીર સવાલ છે).

અત્રે ઉલ્લેખનિય છે કે, નજીકના ભૂતકાળમાં જી.જી હોસ્પિટલના ICU વિભાગમાં આગ ફાટી નીકળી હતી. સદનસીબે જો કે જાનહાનિ થઈ ન હતી. એ પણ ઉલ્લેખનિય છે કે, હોસ્પિટલમાં વીજળીનો વપરાશ વ્યાપક થતો હોય છે, AC અને સેંકડો ઈલેક્ટ્રીક તથા ઈલેક્ટ્રોનિક કિંમતી સાધનો, યંત્રો ઈલેક્ટ્રીક આધારિત હોય છે. જેને કારણે બહુ તોતિંગ વીજલોડ હોય છે. અને, મોટાભાગના અકસ્માત ઈલેક્ટ્રીક ક્ષતિઓના કારણે થતાં હોય છે, આગ ફાટી નીકળતી હોય છે, સેંકડો દર્દીઓની જિંદગીઓનો સવાલ હોય છે- આમ છતાં જીજી હોસ્પિટલની આટલી બધી ઈમારતોમાં ઈલેક્ટ્રીક સેફટી ઓડિટ સંબંધે બધું જ રામભરોસે હોવાની સ્થિતિઓ છે ! ખરેખર તો, આ દરેક ઈમારતનું નિયત સમયે આ ઓડિટ હાથ ધરાવું જોઈએ. સામાન્ય રીતે, આ પ્રકારનું ઓડિટ સરકાર ખાનગી-માન્ય કોન્ટ્રાક્ટર પાસે કરાવતી હોય છે પરંતુ જીજી હોસ્પિટલમાં આવું કોઈ સેફટી ઓડિટ થઈ રહ્યું છે કે કેમ, તે બાબતે ખુદ સુપ્રિટેન્ડેન્ટ કશું જાણતાં ન હોય, એવી ગંભીર સ્થિતિઓ જોવા મળી રહી છે !! આ સ્થિતિઓ અતિશય ગંભીર અને સંવેદનશીલ લેખાવી જોઈએ.