Mysamachar.in:નવસારી
જામનગર સહિત રાજ્યભરમાં સરકારી અને ખાનગી તબીબોની બેદરકારીને કારણે દર્દીઓએ સહન કરવું પડ્યું હોય, અથવા દર્દીને આજિવન કોઈ નુક્સાન કે ખોડખાંપણ ભોગવવી પડી હોય, એવાં કિસ્સાઓ અવારનવાર હોબાળો મચાવતાં હોય છે. આ સંદર્ભમાં તાજેતરમાં જાહેર થયેલો એક ચુકાદો નોંધપાત્ર છે. નવસારીનો આ આખો કેસ રસપ્રદ પણ એટલો જ છે. દક્ષિણ ગુજરાતના નવસારીની એક મહિલાનું નામ સુનિતા ચૌધરી. તેણીએ આઠ વર્ષ પહેલાં એક દીકરાને જન્મ આપ્યો હતો. આ બાળક જેતે સમયે અધૂરાં માસે જન્મ્યું હતું. હાલ આ બાળક અંધ છે ! વાત એમ છે કે, આ બાળકે તબીબોની તથા હોસ્પિટલની બેદરકારીને પરિણામે દ્રષ્ટિ ગુમાવી છે એવું કાયદાકીય લડાઈમાં પૂરવાર થયું. અને, ગ્રાહક સુરક્ષા ફોરમે આ કેસમાં એવું ઠરાવ્યું છે કે, હોસ્પિટલ તથા તબીબોએ આ કેસમાં આ બાળકની માતાને રૂ.70 લાખનું વળતર ચૂકવવાનું રહેશે. આ મામલો નવસારીની સરકારી હોસ્પિટલનો છે.
સુનિતા ચૌધરી નામની આ મહિલાએ 2014 ની સાલમાં આ બાળકને અધૂરાં માસે જન્મ આપ્યો ત્યારે બાળકનું વજન માત્ર 1.200 કિલોગ્રામ જેટલું હતું. અને, આ બાળકને ત્યારે 42 દિવસ સુધી તાકીદની સારવાર માટે ICU માં રાખવામાં આવ્યો હતો. આ બાળકને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવ્યા પછી, એક દિવસ તેની માતા બાળકને લઈ ફરીથી હોસ્પિટલ પહોંચી અને તબીબોને જણાવ્યું કે, બાળકની આંખમાંથી સતત પાણી વહે છે ! ત્યારબાદ ડો. આશા ચૌધરીએ આ બાળકને આંખના ટીપાં લખી આપ્યા અને કહ્યું: આ ટીપાંથી સમસ્યા દૂર થઈ જશે.
બાદમાં આ મહિલા પોતાના બાળકને લઈ પોતાના વતન મહારાષ્ટ્રના નંદુરબાર જતી રહી. બાળકની આંખમાંથી પાણી નીકળવું બંધ ન થયું ! પછી, આ મહિલાએ મુંબઈ અને મદ્રાસ ખાતે બાળકની આંખોની સારવાર કરાવી. આંખના સર્જનોએ કહ્યું: બાળકની આંખમાં રેટિનામાં તકલીફ છે અને આ તકલીફ છેક પાંચમા સ્ટેજમાં પહોંચી ચૂકી છે ! તબીબોએ આ મહિલાને કહ્યું: બાળકનો જન્મ અધૂરાં માસે થયો જેને કારણે બાળકની આંખમાં જેતે સમયે તકલીફ થતી હતી અને તે સમયે તબીબોએ ROP સ્ક્રીન સારવાર કરવી જરૂરી હતી. તે સમયે આ બાળકનાં કેસમાં, તે જરૂરી સારવાર કરવામાં આવી ન હતી ! જેને પરિણામે આ સમસ્યા ઉભી થઈ ! અને તેથી, દોઢ વર્ષની ઉંમરે આ બાળકની આંખોની રોશની જતી રહી ! તબીબોએ યોગ્ય સમયે યોગ્ય સારવાર ન કરી, જેને કારણે આ સ્થિતિ સર્જાઈ છે.
બાદમાં આ કેસ ગ્રાહક સુરક્ષા ફોરમમાં પહોંચ્યો જ્યાં તબીબો અને હોસ્પિટલ સત્તાવાળાઓએ એવી પણ દલીલો કરી કે, આ મામલો સરકારી હોસ્પિટલમાં બન્યો છે જ્યાં દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે. ફોરમે આ દલીલો નકારી કાઢી અને કહ્યું કે, આ કેસમાં બાળકને જ્યારે 42 દિવસ ICU માં રાખવામાં આવ્યો ત્યારે આ બાળકનું ROP સ્ક્રિનિંગ થવું ફરજિયાત હતું. જે ન થતાં બાળકે અંધાપો ભોગવવો પડી રહ્યો છે. આ બેદરકારી તબીબો તથા હોસ્પિટલની છે એમ જણાવી ફોરમે હુકમ કર્યો કે, સંબંધિત જવાબદાર તબીબો તથા હોસ્પિટલની જવાબદારી છે કે, આ ફરિયાદીને વળતર પેટે રૂ. 70 લાખ ચૂકવવામાં આવે.
ફોરમે વળતરની આ રકમ નક્કી કરતી વખતે, બાળકને ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે કરવામાં આવેલાં ખર્ચ, બાળકનો અભ્યાસ તથા તેનાં પરિવારની નાણાંકીય સ્થિતિ વગેરે મુદ્દાઓ ધ્યાનમાં લીધાં હતાં. નવસારીની સરકારી હોસ્પિટલના સત્તાવાળાઓએ જેતે સમયે આ ફરિયાદીને બાળકનાં કેસકાગળો આપ્યા ન હતાં, તેથી અદાલતે હોસ્પિટલને રૂ. 75,000 નો દંડ કર્યો હતો, આ રકમ તથા કાનૂની કાર્યવાહી દરમિયાન ફરિયાદીને થયેલાં ખર્ચ પેટે રૂ. 10,000ની રકમ ચૂકવવા પણ હુકમ કર્યો છે. આ 85,000 ની રકમ ફરિયાદીને ચૂકવવાના થતાં કુલ વળતરમાં સમાવિષ્ટ કરવામાં આવી છે.