Mysamachar.in-ગુજરાત:
સરકારે સંસદમાં નવું આવકવેરા બિલ રજૂ કર્યું છે. આ બિલને હાલ જો કે સિલેક્ટ કમિટી પાસે મોકલવામાં આવ્યું છે. શકયતાઓ એવી છે કે, ટેક્ષેશન વર્ષ 2026-27 થી આ બિલની જોગવાઈઓ અમલમાં આવી શકે છે. આ સૂચિત બિલમાં ખેતીની ચોક્કસ પ્રકારની આવકને ‘વેરાપાત્ર’ ગણી લેવા માટેની જોગવાઈ દાખલ કરવામાં આવી હોવાની વિગતો જાહેર થઈ છે.
આવકવેરા માટેનું આ નવું બિલ કહે છે: શહેરી વિસ્તારોમાં આવેલી જે ખેતીની જમીન ભાડે આપી તેના પર જો ભાડાની આવક કરવામાં આવી હોય તો, આ આવક આ નવા બિલ મુજબ ‘કરપાત્ર’ લેખવામાં આવશે. આ આવક ઈન્કમટેક્સ કાયદા હેઠળ બાદ મળી શકશે નહીં. જો કે ખેતીની જનરલ આવકને હાલના કાયદા જેમ જ કરમુક્ત આવક તરીકે નવા બિલમાં પણ ચાલુ રાખવામાં આવી છે.

બીજી તરફ ખેતીની ઉપજ પર પ્રોસેસ થાય અને તેના મૂલ્યમાં વધારો કરવાની પ્રક્રિયાઓ પછીની પ્રોડક્ટ્સ અને તેને બજારમાં માર્કેટેબલ બનાવવાથી થયેલી આવકને પણ હવે વેરાપાત્ર આવક તરીકે ગણી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ખેતી થકી થતી આવકને વેરામાફીનો લાભ આપવાનું સૂચિત ખરડામાં પણ યથાવત્ રાખવામાં આવ્યું છે. પરંતુ ખેતીને લગતી પ્રવૃત્તિઓના પુરાવાઓને વધુ ચીવટ સાથે તપાસી, ખેતી સાથે સંકળાયેલી આ ચોક્કસ પ્રકારની આવકને વેરાપાત્ર ગણવામાં આવશે. આ સાથે જ કૃષિ આધારિત અમુક ઉદ્યોગોને જે સબસિડી આપવામાં આવતી તેના દરમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. ભાડે આપેલા કલ્ટીવેટર થકી થતી આવક, ડેરી ફાર્મિંગ થતી આવક, ડેરી ઉત્પાદનો, મરઘાંબતકાં ઉછેર અને મત્સ્યઉદ્યોગની આવકને હવે સંપૂર્ણપણે વેરાપાત્ર ગણી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.(file image)