Mysamachar.in-ગાંધીનગર:
સરકારી કચેરીઓમાં અરજદારોને કેવા પ્રકારની તકલીફો પડી રહી છે એ અંગે સરકાર બધું જ જાણે છે. સરકારે એક કરતાં વધુ વખત આ બાબતે અધિકારીઓ અને કર્મચારીઓને તાકીદ કરેલી છે જ. વધુ એક વખત સરકાર આવા અધિકારીઓ અને કર્મચારીઓને લાલ આંખ દેખાડવા કસરત કરી રહી છે.
રાજ્યના આરોગ્યમંત્રી અને સરકારના પ્રવકતા ઋષિકેશ પટેલએ કહ્યું કે, જનસેવા કેન્દ્રો કે મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારીની કચેરીઓ સહિતના સરકારી વિભાગોમાં જો અધિકારીઓ કે કર્મચારીઓ અરજદારોને ધક્કા ખવડાવશે અથવા અરજદારોના કામોમાં વિલંબ કરશે તો આ અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ સરકાર પગલાંઓ ભરશે.
આ ઉપરાંત એમણે એમ પણ કહ્યું કે, સરકારના સેવાસંબંધી વિભાગો જેવા કે શાળાઓ અને દવાખાનાઓ વગેરે વિભાગોમાં નાગરિકોને કોઈ પણ સમસ્યાઓ હોય તો, સંબંધિત અધિકારીઓ તથા કર્મચારીઓએ એ સમસ્યાઓના ઉકેલ માટે જરૂરી કામગીરીઓ અથવા કાર્યવાહીઓ ઝડપથી કરવાની રહેશે, અન્યથા સંબંધિત કર્મચારીને જવાબદાર ગણી તેમની વિરુદ્ધ સરકાર પગલાંઓ લેશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, સરકાર આ અગાઉ ઘણી વખત આ પ્રકારની કસરત કરી ચૂકી છે આમ છતાં સરકારમાં પેધી ગયેલા કેટલાંક અધિકારીઓ અને કર્મચારીઓ સરકારી વિભાગોમાં ‘રાજાશાહી’ માં મસ્ત છે. વિભાગોના વડાઓ આવા કર્મચારીઓ વિરુદ્ધ કોઈ ને કોઈ કારણસર પગલાંઓ લેતાં ન હોય, સરકારનો આ બાબતે આશય સારો હોવા છતાં આવા કર્મચારીઓ દંડાતા નથી અને તેથી એક તરફ સરકારની બદનામી થઈ રહી છે અને બીજી તરફ લાખો અરજદારો હાલાકીઓ વેઠી રહ્યા છે. ખરેખર તો મંત્રીઓ તથા ઉચ્ચ અમલદારોએ પોતપોતાના વિભાગો પર બારીક નજર રાખવી જોઈએ, કસૂરવારોને શોધી કાઢવા જોઈએ અને દાખલારૂપ કાર્યવાહીઓ કરી, સરકારની છબિ સુધરે એવા પ્રયાસો કરવા જોઈએ- એમ જાણકારો માની રહ્યા છે.(file image)