Mysamachar.in-જામનગર:
જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં અને ગુજરાતમાં પણ હરદિન અકસ્માત સર્જાઈ રહ્યા છે, માણસોની જિંદગીઓ વેડફાઈ રહી છે, છતાં કયાંય કોઈ ગંભીરતા જોઈ શકાતી નથી. કસૂરવારોને આકરી સજાઓ થતી નથી, તપાસમાં પણ ઘણું અધકચરૂં હોય છે. અકસ્માત સર્જાઈ શકે તેવી રીતે વાહનો ચલાવતાં તત્વો કોઈથી પણ ડરતાં નથી. કલ્પના કરો, અકસ્માતમાં જેમનો જીવ જતો રહે, તેઓના પરિવારો પર શું વીતતી હશે ?!
જામનગર નજીક નાઘેડી પાસે આજે સવારે બનેલાં એક અકસ્માતમાં એક આધેડનો જીવ લેવાયો અને સમાણા રોડ પર એક દંપતિનો હાલમાં જ અકસ્માતમાં ભોગ લેવાઈ ગયો. વાહનો ચલાવતી વખતે લોકોના માથાં પર શું ભૂત સવાર હોય છે ? ઘાતક અકસ્માત સર્જનાર કસૂરવાર પર અસરકારક કાર્યવાહીઓ થઈ શકે છે ? ધોરીમાર્ગ પર બેફામ વાહનચાલકોને કાબૂમાં રાખવા કોઈ વ્યવસ્થા જ નથી ?! કસૂરવારોને છઠ્ઠીનું ધાવણ યાદ રહી જાય, એવી કડક સજાઓ અપાવી શકાય છે ? વગેરે પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યા છે.
અકસ્માત મોત ગંભીર બાબત નથી ? તો પછી સૌ આટલાં બેદરકાર કેમ ?! ધોરીમાર્ગો પર ખાસ પોલીસ પેટ્રોલિંગ ન થઈ શકે ? બેફામ વાહનચાલકોને ખો ભૂલાવી દઈ શકાય એવો આકરો દંડ ન થઈ શકે.? વાહનોની ગતિ મર્યાદાઓ માપવા આપણી પાસે સાધનો નથી.? આપણાં સૌના CCTV નો અસરકારક ઉપયોગ ન કરી શકાય ? તપાસ કડક ન બનાવી શકાય ? લોકોમાં વધુ જાગૃતિ લાવવા કાયમી ઝુંબેશ ન ચલાવી શકાય ? વાહનોનું તકલાદીપણું મુદ્દો છે કે કેમ ? તે દિશામાં પણ વિચારી શકાય.
અકસ્માતમાં હજારો લોકો મોતનો શિકાર થઈ જાય છે. અનેક પરિવાર બરબાદ થઈ રહ્યા છે. અસંખ્ય નિર્દોષ લોકો કોઈની ભૂલને કારણે જીવ ગુમાવે છે. અકસ્માત સર્જનાર વાહનો ભાગી પણ જાય છે. પકડાતાં પણ નથી. ઘણાં કિસ્સાઓમાં અકસ્માત સર્જનાર ચાલકની જગ્યાએ અન્ય કોઈને ‘ગોઠવી’ દેવામાં આવે છે. અકસ્માત સંબંધિત વિગતો અને તસ્વીરો પરફેક્ટ નથી હોતી, વિલંબથી જાહેર થાય. આવું ઘણું બધું ન બનવાનું બની રહ્યું છે. જવાબદારીઓ કોની?
નારણપર પાસે અકસ્માતમાં દંપતિનો ભોગ લેવાઈ ગયો એ મામલામાં કારના નંબર GJ-03-NK-2641 છે. ફરિયાદી નારણપરના મનોજ જેન્તીભાઈ ફલિયા છે. આરોપી કારનો ચાલક છે. આરોપી નશામાં હતો એવું કોઈ કહી રહ્યું છે. જે દંપતિનો ભોગ લેવાયો તે જયેશભાઈ જયંતિભાઈ ફલીયા તથા તેમના પત્ની કાજલબેનના મૃત્યુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયા. 108 મારફતે તેઓને અકસ્માત સ્થળેથી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતાં. પ્રથમ મહિલાનું અને બાદમાં તેમના પતિનું મોત થયું. અકસ્માતગ્રસ્ત બાઈકના નંબર ફરિયાદમાં ઉલ્લેખ નથી. આ બનાવ નારણપર પાસે શાંતિ હોટલ નજીક 24મી એપ્રિલે બનેલો અને સારવારમાં દંપતિના મૃત્યુ થયા. ત્યારબાદ અન્ય એક કાર અકસ્માતમાં નાઘેડી નજીક એક આધેડનો જીવ ગયો. કારચાલકો અને ભારે વાહનોના ચાલકો કેવી રીતે વાહનો ચલાવી રહ્યા છે, તે બાબત પર નજર રાખવી ફરજિયાત થઈ ગઈ છે.